Viral Love Story: પ્રેમમાં લોકો પોતાના પ્રિયજનને ખુશ કરવા માટે મોંઘામાં મોંઘી ભેટ આપતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર થયેલી એક ઘટના હાલમાં ભારે ચર્ચામાં છે, જેમાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડને લાખો રૂપિયાનું ગિફ્ટ આપ્યું અને માત્ર 24 કલાકમાં જ તેનો ત્રણ વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો.
પોસ્ટ મુજબ, યુવક અને યુવતી છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. ગર્લફ્રેન્ડના જન્મદિવસે યુવકે પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરીને તેને આશરે £2500 (ભારતીય ચલણ મુજબ લગભગ 2.6 લાખ રૂપિયા) કિંમતનો હાઈ-એન્ડ ગેમિંગ પીસી ગિફ્ટ આપ્યો હતો. યુવકને આશા હતી કે આ સરપ્રાઇઝથી તેમનો સંબંધ વધુ મજબૂત બનશે.
જોકે, ગિફ્ટ મળ્યાના માત્ર 24 કલાક બાદ જ યુવતીએ યુવક સાથે બ્રેકઅપ કરી દીધું. આ ઘટનાથી યુવક સંપૂર્ણપણે ચોંકી ગયો અને તેને સમજાતું નહોતું કે અચાનક આવું કેમ બન્યું.
પછી યુવકે પોતાના કેટલાક કોમન મિત્રો દ્વારા તપાસ કરવતા ચોંકાવનારી માહિતી મેળવી. તેને જાણવા મળ્યું કે યુવતી ઘણા મહિનાઓથી સંબંધ તોડવાનો નિર્ણય કરી ચૂકી હતી. પરંતુ તેને ખબર હતી કે જન્મદિવસે તેને મોંઘું ગિફ્ટ મળવાનું છે, તેથી તે બ્રેકઅપ કરવાને બદલે સંબંધ ચાલુ રાખી રહી હતી.
યુવકે પોતાના સોશિયલ મિડિયાના પોસ્ટમાં દાવો કર્યો કે તેને કેટલાક સ્ક્રીનશોટ પણ મળ્યા છે, જેમાં તેની પૂર્વ ગર્લફ્રેન્ડ કથિત રીતે સ્વીકારી રહી છે કે તે માત્ર મોંઘી ભેટ મેળવવા માટે જ જન્મદિવસ સુધી સંબંધમાં રહી હતી.
આ ઘટનાથી દુઃખી અને આઘાતગ્રસ્ત બનેલા યુવકે સોશલ મિડિયા પર કાનૂની સલાહ માગી હતી. તેણે પૂછ્યું કે શું આ પ્રકારની છેતરપિંડીને આધારે તે પોતાનો ગેમિંગ પીસી પરત મેળવી શકે? યુવકે લખ્યું કે યુકેના કાયદા મુજબ ગિફ્ટ પર હવે યુવતીનો અધિકાર હોઈ શકે છે, પરંતુ જો તે તેની ગર્લફ્રેન્ડ ન હોત તો તે ક્યારેય આટલી મોંઘી ભેટ ખરીદત નહીં.
આ પોસ્ટ વાયરલ થતાં યુઝર્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. ઘણા લોકોએ મંતવ્ય વ્યક્ત કર્યું કે કાનૂની રીતે ગિફ્ટ પરત મેળવવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ યુવતીના વર્તનને અનૈતિક ગણાવ્યું. કેટલાક યુઝર્સે લખ્યું કે યુવકે ભલે મોટી રકમ ગુમાવી હોય, પરંતુ ભવિષ્યમાં વધુ મોટા નુકસાનથી બચી ગયો છે.
હાલ આ વાયરલ થયેલી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પ્રેમ, વિશ્વાસ અને દગા અંગે ચર્ચાનો વિષય બની છે.
