Pakistan news: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે મોડી રાત્રે રાવલપિંડીની અદિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઇમરાન ખાનની તબિયત અને તેમને જેલમાં મળતી તબીબી સારવાર અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે તેમના સ્વાસ્થ્યની તપાસ માટે નિષ્ણાતો તેમજ તેમના અંગત તબીબ ડૉ. ફૈઝલ સુલ્તાનને સામેલ કરીને મેડિકલ બોર્ડ બનાવવાનો આદેશ આપ્યો હતો.
હાલ એ સ્પષ્ટ નથી કે તબીબી તપાસ બાદ ઇમરાન ખાનને ફરી અદિયાલા જેલમાં મોકલવામાં આવશે કે હોસ્પિટલમાં જ સારવાર ચાલુ રાખવાની મંજૂરી મળશે. જોકે, ઇમરાન ખાનની પાર્ટી અને પરિવારે તેમને હોસ્પિટલમાં જ રાખીને સારવાર ચાલુ રાખવાની માગ કરી છે.
સરકાર તરફથી સંસદીય બાબતોના મંત્રી તારિક ફઝલ ચૌધરીએ જણાવ્યું છે કે જો પાકિસ્તાનની સરકારી તબીબી સુવિધાઓમાં પૂરતી સારવાર ઉપલબ્ધ ન હોય તો ઇમરાન ખાનને સારવાર માટે વિદેશ મોકલવા અંગે પણ સરકાર વિચાર કરી શકે છે.
કોર્ટે ઇમરાન ખાનની સારવાર અંગે આદેશ આપ્યા બાદ સરકારે એ પણ સ્પષ્ટતા માગી હતી કે તબીબી રાહતનો આ નિર્ણય માત્ર ભૂતપૂર્વ વડાપ્રધાન માટે લાગુ પડશે કે અન્ય કેદીઓને પણ આવી સુવિધા મળી શકશે.
ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને અગાઉ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમના પરિવારે જાન્યુઆરીના અંતમાં દાવો કર્યો હતો કે તેમની જમણી આંખની લગભગ 85 ટકા દ્રષ્ટિ જતી રહી છે. જોકે, પાકિસ્તાની અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને તેમની દ્રષ્ટિમાં 70 ટકા સુધી સુધારો થયો હોવાનું જણાવ્યું હતું.
એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ બાદ સત્તા ગુમાવનારા ઇમરાન ખાન 2023થી જેલમાં છે. ભ્રષ્ટાચાર સહિતના અનેક કેસોમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રાણા સનાઉલ્લાહનો દાવો કર્યો કે, જેલમાં ઇમરાન ખાન સાથે બે ગુપ્ત ડિલ નિષ્ફળ રહી
આ પણ વાંચો: પાકિસ્તાન આર્મી ચીફેને જાતે બેટિંગ કરવી જોઈએ: ઇમરાન ખાન
આ પણ વાંચો: પાકિસ્તાનમાં રાજકારણનું મોટું તોફાન! શું ઇમરાન ખાનની યોજના શાહબાઝ શરીફની સરકારને પાડી દેશે?
