America News/ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પહેલીવાર $40 ટ્રિલિયનને પાર, 6 વર્ષમાં $50 ટ્રિલિયન થવાની ભીતિ

America Economy: અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પહેલીવાર $40 ટ્રિલિયનને પાર પહોંચી ગયું છે.

Top Stories World
America Economy

America Economy News: અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પહેલીવાર 40 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર પહોંચી ગયું છે. છેલ્લા એક દાયકામાં અમેરિકાના દેવામાં લગભગ બમણો વધારો થયો છે. વધતા સરકારી ખર્ચ, સામાજિક સુરક્ષા અને મેડિકેર જેવી યોજનાઓ પાછળના ખર્ચને કારણે દેવાનો બોજ સતત વધી રહ્યો છે.

2016માં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું 20 ટ્રિલિયન ડોલરથી ઓછું હતું. હવે તે 40 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું છે. છેલ્લા માત્ર પાંચ મહિનામાં જ અમેરિકાના રાષ્ટ્રીય દેવામાં આશરે 1 ટ્રિલિયન ડોલરનો વધારો થયો હોવાનું ટ્રેઝરી વિભાગના આંકડા દર્શાવે છે.

દરેક અમેરિકન પર લગભગ $1.20 લાખનું દેવું

વર્તમાન દેવાના આંકડા પ્રમાણે અમેરિકાના દરેક નાગરિકના હિસ્સે આશરે 1,19,699 ડોલરનું દેવું આવે છે. વધતા દેવા સાથે સરકાર પર વ્યાજ ચૂકવણીનો બોજ પણ વધી રહ્યો છે.

અમેરિકાની વધતી વૃદ્ધ વસ્તી પણ દેવાના વધારા પાછળનું એક મહત્વનું કારણ છે. દરરોજ હજારો બેબી બૂમર્સ (વૃદ્ધ વસ્તી) નિવૃત્ત થઈ રહ્યા છે, જેના કારણે સોશિયલ સિક્યોરિટી અને મેડિકેર જેવી યોજનાઓ પર સરકારનો ખર્ચ સતત વધી રહ્યો છે.

6 વર્ષમાં દેવું $50 ટ્રિલિયન સુધી પહોંચવાની શક્યતા

પીટર જી. પીટરસન ફાઉન્ડેશનના સીઈઓ માઈકલ પીટરસનના જણાવ્યા મુજબ, જો અમેરિકાનું દેવું આ જ ઝડપે વધતું રહ્યું તો આગામી છ વર્ષમાં તે 50 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

તેમણે ચેતવણી આપી છે કે દેવામાં આટલી ઝડપથી થઈ રહેલો વધારો અમેરિકાની અર્થવ્યવસ્થા અને દેશના ભવિષ્ય માટે ગંભીર પડકાર બની શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે વધતા દેવા સાથે વ્યાજનો ખર્ચ, સરકારી યોજનાઓનો ખર્ચ અને વૃદ્ધ વસ્તીનો નાણાકીય બોજ અમેરિકાની અર્થવ્યવસ્થા પર લાંબા ગાળે વધુ દબાણ ઊભું કરી શકે છે.


આ પણ વાંચો: અમેરિકા-કેનેડામાં ભારતીયો પર કડક કાર્યવાહી, 15 દિવસમાં 5200 લોકોને ડિપોર્ટ કર્યા

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે પહેરી ‘TRUMP 2028’ લખેલી કેપ; શું અમેરિકી રાષ્ટ્રપતિ લડશે ત્રીજી ટર્મ?

આ પણ વાંચો: અમેરિકામાં મતદાર યાદીની ચકાસણીને લઈને ટ્રમ્પનો મોટો દાવો, 24 હજારથી વધુ બિન-નાગરિકોના નામનો ઉલ્લેખ