New Delhi News/ E20થી માઇલેજમાં ઘટાડાની શક્યતા, રબરના ભાગો પર પડી શકે અસર

અભ્યાસ મુજબ E20 Petrolનાં ઉપયોગથી E10ની સરખામણીએ ઇંધણનો વપરાશ અંદાજે 2થી 6 ટકા વધી શકે છે

Top Stories India
દેશમાં E20 Petrolના અમલીકરણને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે

New Delhi News : દેશમાં E20 Petrolના અમલીકરણને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI Report)ના અહેવાલમાં E20 ઇંધણ અંગે કેટલાક મહત્વપૂર્ણ તારણો સામે આવ્યા છે. અહેવાલ મુજબ, E10 માટે ડિઝાઇન કરાયેલા વાહનોમાં E20 Petrolનો ઉપયોગ કરવામાં આવે તો ફ્યુઅલ સિસ્ટમના રબરના ભાગો (Rubber Parts Damage)પર અસર થઈ શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તે ભાગોને બદલવાની જરૂર પડી શકે છે. સાથે જ વાહનની માઇલેજમાં અંદાજે 2થી 6 ટકા સુધી ઘટાડો થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

અહેવાલમાં જણાવાયું છે કે E10-સુસંગત વાહનોમાં E20 Petrolના ઉપયોગથી ફ્યુઅલ હોઝ, ગાસ્કેટ, સીલ અને ઓ-રિંગ્સ જેવા રબરના ઘટકો પર અસર જોવા મળી હતી. જોકે ધાતુના ભાગો પર કોઈ નકારાત્મક અસર નોંધાઈ નથી અને વાહનોનું ટેલપાઇપ ઉત્સર્જન કાયદાકીય મર્યાદામાં જ રહ્યું હોવાનું પણ અભ્યાસમાં સામે આવ્યું છે.

BS-VI ટર્બો એન્જિનમાં નોંધાઈ સમસ્યા

ARAIના અભ્યાસ દરમિયાન અલગ-અલગ વાહન ઉત્પાદકોના એન્જિન પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક ઉત્પાદકનું એન્જિન E20 ઇંધણ પર 400 કલાક સુધી કોઈ સમસ્યા વિના ચાલ્યું હતું. જ્યારે અન્ય એક ઉત્પાદકના BS-VI ટર્બો-ચાર્જ્ડ એન્જિનમાં કુલ 809 કલાકના પરીક્ષણ દરમિયાન એક્ઝોસ્ટ વાલ્વમાં થર્મોમિકેનિકલ નિષ્ફળતા નોંધાઈ હતી.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધુ ગરમી અને સતત યાંત્રિક દબાણને કારણે એક્ઝોસ્ટ વાલ્વ વાંકો પડવો, તૂટી જવો અથવા તેમાં ક્રેક આવવી જેવી સ્થિતિને થર્મોમિકેનિકલ નિષ્ફળતા કહેવાય છે. જોકે આ પ્રકારની સમસ્યા પાછળ અન્ય ટેકનિકલ કારણો પણ જવાબદાર હોઈ શકે છે.

ટુ-વ્હીલરમાં ગંભીર સમસ્યા નહીં

ત્રણ અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોમાં E20 ઇંધણને કારણે કોઈ ગંભીર ટેકનિકલ ખામી સામે આવી નહોતી. એન્જિનનું પ્રદર્શન સંતોષકારક હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

માઇલેજ પર થઈ શકે અસર

અભ્યાસ મુજબ E20 પેટ્રોલના ઉપયોગથી E10ની સરખામણીએ ઇંધણનો વપરાશ અંદાજે 2થી 6 ટકા વધી શકે છે. પરિણામે વાહનની માઇલેજમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. જોકે આ અસર દરેક વાહનમાં સમાન હોય તે જરૂરી નથી.

હાલમાં સરકારનું કહેવું છે કે E20 પેટ્રોલ તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે અને નવા E20-સુસંગત વાહનોને ધ્યાનમાં રાખીને જરૂરી ટેકનિકલ સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો : 1 એપ્રિલથી ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર મળશે E20 પેટ્રોલ, જાણો વાહનચાલકોને શું થશે ફાયદો?

આ પણ વાંચો : E20 ઇથેનોલ વિવાદ: ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોનો આક્રોશ – લાભ કે નુકસાન

આ પણ વાંચો : E20 ઇથેનોલ વિવાદ: ગુજરાતના પેટ્રોલપંપ સંચાલકોનો આક્રોશ – મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન રિયાલિટી ચેક