New Delhi News/ E20 પર અલ નીનોની અસર, ઇથેનોલની માંગમાં વધારો

ભારતમાં વેચાતા E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ (Ethanol)નું મિશ્રણ કરવામાં આવે છે

India
આગામી ઇથેનોલ વર્ષ 2026-27 દરમિયાન દેશને જરૂરી ઇથેનોલ (Ethanol)નો પુરવઠો જાળવવા માટે ચોખા આધારિત ઇથેનોલ ઉત્પાદન વધારવું પડી શકે છે

New Delhi News : ભારત સરકારનું મહત્વાકાંક્ષી E20 પેટ્રોલ મિશ્રણ અભિયાન હવે હવામાનની અનિશ્ચિતતા સામે પડકારનો સામનો કરી રહ્યું છે. અલ નીનો (El Nino)ની સંભાવિત અસરને કારણે શેરડી અને મકાઈના ઉત્પાદન પર માઠી અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આગામી ઇથેનોલ વર્ષ 2026-27 દરમિયાન દેશને જરૂરી ઇથેનોલ (Ethanol)નો પુરવઠો જાળવવા માટે ચોખા આધારિત ઇથેનોલ ઉત્પાદન વધારવું પડી શકે છે.

ભારતમાં વેચાતા E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે. હાલમાં દેશમાં ઉત્પન્ન થતો મોટો હિસ્સો ઇથેનોલ શેરડી, મોલાસીસ અને સીધા શેરડીના રસમાંથી મેળવવામાં આવે છે.

શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન ઘટી શકે

કેએન એગ્રી રિસોર્સિસના ચેરમેન જી.કે. સૂદના જણાવ્યા મુજબ, જો શેરડીનું ઉત્પાદન હાલના સ્તરે જ રહે તો સરકાર ખાંડની ઉપલબ્ધતા જાળવવા માટે શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની મંજૂરી મર્યાદિત કરી શકે છે. પરિણામે ઇથેનોલના ઉત્પાદન માટે ચોખાનો ઉપયોગ વધારવો જરૂરી બની શકે છે.

ખાંડના સ્ટોકને લઈને વધી ચિંતા

ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડર્સ એસોસિએશન (AISTA)ના કાર્યક્રમમાં નિષ્ણાતોએ ચેતવણી આપી કે 30 સપ્ટેમ્બર 2026 સુધી દેશમાં ખાંડનો અંતિમ સ્ટોક માત્ર 3.5 મિલિયન મેટ્રિક ટન અથવા તેનાથી પણ ઓછો રહી શકે છે. ઓક્ટોબરમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેતું હોવાથી સપ્ટેમ્બરથી નવેમ્બરનો સમયગાળો પુરવઠા માટે પડકારરૂપ બની શકે છે.

E20 માટે વધશે ઇથેનોલની માંગ

ઉદ્યોગના અંદાજ પ્રમાણે દેશમાં ઇથેનોલ (Ethanol)ની માંગ સતત વધી રહી છે.

  • 2025-26માં અંદાજિત માંગ: 12.3 અબજ લિટર
  • 2026-27માં અંદાજિત માંગ: 13.2 અબજ લિટર
  • દારૂ અને અન્ય ઉદ્યોગો માટે વધારાના લગભગ 4 અબજ લિટર ઇથેનોલની જરૂર પડશે.

ચોખા બનશે વિકલ્પ

નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનો (El Nino)બાદ શેરડી (Sugarcane)ના ઉત્પાદનમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળે છે. જો મકાઈનો પુરવઠો સ્થિર રહે તો પણ સરકારને E20 લક્ષ્ય હાંસલ કરવા માટે અગાઉની સરખામણીએ વધુ પ્રમાણમાં ચોખાનો ઉપયોગ ઇથેનોલ (Ethanol)ઉત્પાદનમાં કરવો પડી શકે છે.

સરકાર સામે બેવડો પડકાર

એક તરફ દેશની ખાંડની જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી છે, તો બીજી તરફ E20 પેટ્રોલ મિશ્રણનું લક્ષ્ય પણ હાંસલ કરવાનું છે. હવામાનની અનિશ્ચિતતા વચ્ચે સરકાર માટે ખાદ્ય સુરક્ષા અને બળતણ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું સૌથી મોટો પડકાર બની શકે છે.


આ પણ વાંચો:કાચા તેલની આયાત ઘટાડવા ભારતનો મોટો નિર્ણય, E85 ફ્યુઅલથી ચાલશે ગાડીઓ

આ પણ વાંચો: ચોખાથી ઇથેનોલ પર નીતિ વિવાદ ગરમાયો

આ પણ વાંચો: 100% ઇથેનોલ ફ્યુઅલ તરફ ભારત, નીતિન ગડકરીનો મોટો પ્લાન, વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે