New Delhi News/ ચોખાથી ઇથેનોલ પર નીતિ વિવાદ ગરમાયો

દેશમાં ઇથેનોલ (Ethanol)ઉત્પાદન ક્ષમતાનો મોટો હિસ્સો પાણીની અછતવાળા રાજ્યોમાં કેન્દ્રિત હોવાને કારણે પર્યાવરણ પર તેની અસર અંગે ચિંતાઓ વધી રહી છે

India
ભારતમાં પેટ્રોલના વિકલ્પ તરીકે ઇથેનોલ(Ethanol)ને પ્રોત્સાહન આપતી સરકારની નીતિ પર હવે ગંભીર પ્રશ્નો ઉઠવા લાગ્યા છે

New Delhi News : ભારતમાં પેટ્રોલના વિકલ્પ તરીકે ઇથેનોલ(Ethanol)ને પ્રોત્સાહન આપતી સરકારની નીતિ પર હવે ગંભીર પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. ખાસ કરીને ચોખા આધારિત ઇથેનોલ ઉત્પાદનને લઈને પાણીના ભારે વપરાશ અને ખાદ્ય સુરક્ષાના મુદ્દે નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ખાદ્ય સચિવ સંજીવ ચોપરાના જણાવ્યા મુજબ, ચોખામાંથી 1 લિટર ઇથેનોલ(Ethanol) બનાવવા માટે આશરે 10,790 લિટર પાણીની જરૂર પડે છે. મકાઈ માટે આ આંકડો 4,670 લિટર અને શેરડી માટે 3,630 લિટર છે. આ આંકડાઓને ધ્યાનમાં લેતા, ચોખા આધારિત ઇથેનોલ ઉત્પાદન પાણી સંકટને વધારશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.

નીતિ આયોગના કોમ્પ્રિહેન્સિવ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ મુજબ, 2030 સુધીમાં દેશના 21 મોટા શહેરોમાં ભૂગર્ભજળ ખતમ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ચોખા જેવા પાણી-આધારિત પાકનો ઉપયોગ ઇંધણ માટે કરવો નીતિગત રીતે વિવાદાસ્પદ ગણાઈ રહ્યો છે.

સરકારે ઇથેનોલ સપ્લાય વર્ષ 2024-25 માટે ચોખાની ફાળવણી5.2 મિલિયન ટન કરી છે અને આવનાર વર્ષ માટે તેને વધારીને ૯ મિલિયન ટન કરવાની તૈયારી દર્શાવી છે. આ સાથે જ પીડીએસ હેઠળ વહેંચાતા તૂટેલા ચોખાનો હિસ્સો ઘટાડીને તેને ઇથેનોલ ઉત્પાદન માટે વાળવાની યોજના પણ ચર્ચામાં છે.

આર્થિક દ્રષ્ટિએ પણ આ નીતિ પર સવાલો ઊઠી રહ્યા છે. સરકાર ડિસ્ટિલરીઓને લગભગ ₹2,320 પ્રતિ ક્વિન્ટલના ભાવે ચોખા પૂરું પાડે છે, જ્યારે તેનો વાસ્તવિક ખર્ચ ₹4,173 ગણાય છે. આથી કરદાતાઓના નાણાં પર ભાર વધતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

ખેડૂતોના મુદ્દે પણ વિરોધાભાસ સામે આવ્યો છે. એક તરફ ડાંગરની ખેતીને પાણીના વધુ વપરાશ માટે નિશાન બનાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ એ જ ચોખાનો ઉપયોગ ઇથેનોલ (Ethanol)માટે કરવામાં આવી રહ્યો છે. મકાઈના ખેડૂતોને પણ બજારમાં ભાવ ઘટતા નુકસાન વેઠવું પડી રહ્યું છે.

દેશમાં ઇથેનોલ (Ethanol)ઉત્પાદન ક્ષમતાનો મોટો હિસ્સો પાણીની અછતવાળા રાજ્યોમાં કેન્દ્રિત હોવાને કારણે પર્યાવરણ પર તેની અસર અંગે ચિંતાઓ વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ઉર્જા સુરક્ષા સાથે પાણી સુરક્ષાને સંતુલિત કરવી હવે જરૂરી બની ગઈ છે.

આ સમગ્ર મુદ્દે સરકારની નીતિ, પર્યાવરણ, કૃષિ અને આર્થિક અસર અંગે ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : 100% ઇથેનોલ ફ્યુઅલ તરફ ભારત, નીતિન ગડકરીનો મોટો પ્લાન, વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે

આ પણ વાંચો : રાજસ્થાનના હનુમાનગઢમાં ઇથેનોલ પ્લાન્ટ વિવાદથી હિંસા ભભૂકી, ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ

આ પણ વાંચો : E20 ઇથેનોલ વિવાદ: ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોનો આક્રોશ – લાભ કે નુકસાન?