Rajkot News: રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં ચાલતા એક ટ્યુશન ક્લાસ (Rajkot Tuition Teacher)માં સાડા ચાર વર્ષના બાળકને ગરમ તાવીથાથી ડામ આપવામાં આવ્યા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને બાળકના પરિવારજનોએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
Rajkot Tuition Teacher: શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, રેલનગર વિસ્તારમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં એક ખાનગી ટ્યુશન ક્લાસ (Rajkot Tuition Teacher)માં સાડા ચાર વર્ષનું બાળક અભ્યાસ માટે જતું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળક લખવામાં ધ્યાન આપતું ન હતું અથવા તોફાન કરતું હોવાના બહાને ટ્યુશન સંચાલિકા નિરાલી અશ્વિનભાઈએ તેને ગરમ તાવીથાથી ડામ આપ્યા હોવાનો આક્ષેપ છે.પરિવારના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં બાળકના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા, જેના કારણે પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા.
પરિવારજનોની ફરિયાદ
ઘટનાની જાણ થતાં બાળકના કાકાએ શિક્ષિકાનો સંપર્ક કર્યો હતો. પરિવારનો દાવો છે કે આ દરમિયાન શિક્ષિકા તરફથી યોગ્ય જવાબ મળવાને બદલે ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટ્યુશન શિક્ષિકા નિરાલી વાઘેલાના જણાવ્યા મુજબ, બાળકને કોઈપણ પ્રકારની શારીરિક સજા આપવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે તેમના વિરુદ્ધ કરવામાં આવેલા ડામ આપવાના આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને આધારવિહોણા છે.
વિદ્યાર્થી નેતાએ ઉઠાવ્યા પ્રશ્નો
આ ઘટનાને લઈને વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે નાની ઉંમરના બાળકોમાં તોફાન કરવું કે લખવામાં મુશ્કેલી અનુભવવી સામાન્ય બાબત છે, પરંતુ તેના બદલામાં શારીરિક સજા આપવી અસ્વીકાર્ય છે. તેમણે બાળ અધિકાર સંરક્ષણ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.તેમણે ટ્યુશન ક્લાસ (Rajkot Tuition Teacher)ના સંચાલન અને નિયમોના પાલન અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પોલીસ તપાસ શરૂ
પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ બંને પક્ષના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો:રાજકોટમાં ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીને માર મારવાનો આરોપ, કુરકુરે ખાવાની બાબતે શિક્ષક વિવાદમાં
આ પણ વાંચો:ગુજરાતમાં હેલ્મેટ કૌભાંડ: ટ્યુશન જતા વિદ્યાર્થીઓની જીવ લે તેવી બેદરકારી
આ પણ વાંચો:ચાણક્ય સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર્યાનો આક્ષેપ, કાનને ઈજા બાદ પોલીસ ફરિયાદ
