Gandhinagar News/ વિશ્વપ્રસિદ્ધ રૂપાલ મંદિરમાં તસ્કરોનો તરખાટ, 3 દાનપેટી તોડી 15 લાખની લૂંટ

Rupal Vardayini Mata Temple Theft: ગાંધીનગરના વિશ્વપ્રસિદ્ધ રૂપાલ વરદાયિની માતાના મંદિર પરિસરમાં તસ્કરોએ ખોડિયાર માતાના મંદિરના તાળા તોડી 3 દાનપેટીઓની ચોરી કરી છે. આશરે 15 લાખની રોકડ ચોરાઈ, પેથાપુર પોલીસે તપાસ શરૂ કરી.

Gujarat Gandhinagar Top Stories
Rupal Vardayini Mata Temple Theft

Rupal Vardayini Mata Temple Theft: સમગ્ર વિશ્વમાં પોતાની ભવ્ય પલ્લી યાત્રા અને શુદ્ધ ઘીના અભિષેક માટે સુપ્રસિદ્ધ તેમજ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવા ગાંધીનગરના રૂપાલ ગામ સ્થિત વરદાયિની માતાના મંદિર પરિસરમાં ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને ભેદીને રાત્રિના અંધકારમાં તસ્કરોએ મંદિર પરિસરમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ ચોરીને પગલે સમગ્ર પંથકના માઈભક્તોમાં ભારે આક્રોશ અને ચકચાર ફાટી નીકળ્યા છે.

Rupal : મુખ્ય મંદિરમાં ચોરી અસફળ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ચોરીની ઘટના ગત 24 મેની રાત્રે 9:00 વાગ્યાથી 25 મેની વહેલી સવારના 3:55 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, બે અજાણ્યા તસ્કરો નદી તરફના માર્ગેથી વરદાયિની માતાના ભવ્ય મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. આ ચોરોનો મુખ્ય ઈરાદો માતા વરદાયિનીના મુખ્ય ગર્ભગૃહમાં જ ચોરી કરવાનો હતો. જોકે, મુખ્ય મંદિર મજબૂત લોખંડી સુરક્ષા કવચ અને આધુનિક લોકીંગ સિસ્ટમથી સજ્જ હોવાને કારણે તસ્કરો ત્યાં સેંધ મારવામાં અસફળ રહ્યા હતા. આથી, પોતાનો ફેરો ફોગટ ન જાય તે માટે તસ્કરોએ પરિસરમાં જ આવેલા ખોડિયાર માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું.

૩ દાનપેટીઓ ઉઠાવી ગયા

તસ્કરોએ ખોડિયાર માતાજીના મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખેલી 3 મોટી દાનપેટીઓ આખી ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા. વરદાયિની માતાના મંદિરના મેનેજર કનુભાઈ જેઠાભાઈ પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ મુજબ, રાત્રિના સમયે મંદિરના પૂજારીઓ અને સ્ટાફ પોતપોતાના રૂમમાં સૂતા હતા. વહેલી સવારે મંદિરના ચોકીદાર કનુભાઈ રાવળને ખોડિયાર માતાના મંદિરના તાળા તૂટેલા હોવાની જાણ થઈ હતી.

આ ઘટનાની ખબર પડતા જ મંદિરના મેનેજર અને ટ્રસ્ટી નિતિનભાઈ સોમાભાઈ પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેય દાનપેટીઓ ગાયબ જણાતા આસપાસ શોધખોળ શરૂ કરાઈ હતી. બાદમાં મંદિર નજીક આવેલા તળાવના કિનારેથી આ ત્રણેય દાનપેટીઓ તૂટેલી અને ખાલી હાલતમાં મળી આવી હતી.

પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

મંદિરના મેનેજરે જણાવ્યું હતું કે, અગાઉ બે મહિના પહેલા જ્યારે આ દાનપેટીઓ ખોલવામાં આવી હતી, ત્યારે તેમાંથી આશરે 10થી 15 લાખ રૂપિયા જેટલી માતબર રોકડ રકમ મળી આવી હતી. આ વખતે પણ આ દાનપેટીઓ ભરાઈ ગઈ હોવાથી તેમાં અંદાજે 15 લાખ જેટલી રોકડ રકમ ચોરાઈ હોવાની પૂરી આશંકા છે.

આ ગંભીર અને હાઈ-પ્રોફાઈલ ચોરીની ઘટનાને પગલે ગાંધીનગરની પેથાપુર પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : ગાંધીનગરમાં તસ્કરોનો આતંક, સેક્ટર-2માં NRIના બંધ બંગલામાંથી 50 લાખની ચોરી

આ પણ વાંચો : IPL ફાઈનલ પહેલા ગાંધીનગરમાં મેટ્રોના કેબલની ચોરી, પોલીસ દોડતી થઈ

આ પણ વાંચો : દિવાળીના તહેવારમાં જીએસટીના ભાવનગર, સુરત, અમરેલી, ગાંધીનગરમાં દરોડા, 3.28 કરોડની કરચોરી પકડાઈ