Russia praised India: BRICSમાં ભારતની અધ્યક્ષતા અને તેના સમયગાળા દરમિયાન થયેલા પ્રયાસોની રશિયાએ પ્રશંસા કરી છે. રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે BRICS દેશો સાથે રશિયાનું સહયોગ સતત મજબૂત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે સંગઠન સાથેના સંબંધોને વધુ આગળ વધારવા માટે રશિયા સતત પ્રયાસ કરી રહ્યું છે.
90 ટકા ચૂકવણી નેશનલ કરન્સીમાં
દિમિત્રી પેસ્કોવના જણાવ્યા પ્રમાણે BRICS સભ્ય દેશો સાથે રશિયાની લગભગ 90 ટકા ચૂકવણી હવે નેશનલ કરન્સી એટલે કે સંબંધિત દેશોની પોતાની સ્થાનિક ચલણમાં થઈ રહી છે. તેમના મતે આ વ્યવસ્થાનો હેતુ માત્ર ડી-ડોલરાઇઝેશન નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે ઉપલબ્ધ વિકલ્પોને વધુ વિસ્તૃત કરવાનો છે. પેસ્કોવે જોકે એવો પણ દાવો કર્યો કે કેટલાક દેશો પોતાની નેશનલ કરન્સીનો ઉપયોગ વિદેશ નીતિના સાધન તરીકે કરી રહ્યા છે.

BRICSમાં અનેક ક્ષેત્રે સહયોગ
રશિયન પ્રવક્તાએ જણાવ્યું કે BRICSમાં માનવતાવાદી અને આર્થિક સહયોગ સહિત અનેક ક્ષેત્રોમાં કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત સંગઠન સુરક્ષા ક્ષેત્રે પણ સહયોગનું માળખું વિકસાવી રહ્યું છે. તેમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થો સામેની કાર્યવાહી તથા આતંકવાદ વિરોધી પ્રયાસોમાં સહયોગનો સમાવેશ થાય છે. આ સાથે BRICS દેશો વચ્ચે અવકાશ ક્ષેત્રે પણ સહકાર વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. રશિયાએ સંગઠનની સભ્ય સંખ્યા વધારવા માટે પણ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ભારતને ગણાવ્યું વ્યૂહાત્મક ભાગીદાર
ભારત સાથેના સંબંધો અંગે પેસ્કોવે કહ્યું કે ભારત રશિયાનું વ્યૂહાત્મક ભાગીદાર છે. બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સહયોગ આગળ વધારી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ભારત સાથેની મોટાભાગની ચૂકવણી પણ નેશનલ કરન્સીમાં કરવામાં આવી રહી છે. યુક્રેન યુદ્ધ અંગે પેસ્કોવે કહ્યું કે રશિયા સંઘર્ષનો અંત લાવવા અને શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યું છે. તેમણે ભારતના શાંતિ પ્રયાસોનું સ્વાગત કર્યું હોવાનું પણ જણાવ્યું. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોને આવકાર્યા હતા. જોકે, યુરોપના કેટલાક દેશો યુક્રેનને રશિયાની વ્યૂહાત્મક હાર તરફ ધકેલી રહ્યા હોવાનો પેસ્કોવે આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો:ભારત-ઈરાન સંબંધો પર ઈરાનનું મોટું નિવેદન, ચાબહારથી BRICS સુધી સહયોગ વધારવાના સંકેત
આ પણ વાંચો: BAPSની મુલાકાત બાદ એફિલ ટાવર પર વિવાદ, મહિલા કર્મચારીઓને હટાવ્યાના આરોપથી વિરોધ
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, ટ્રમ્પે કહ્યું- યુદ્ધ બાદ તેલ-ગેસ સસ્તા થશે
