India Iran Relations SCO BRICS Summit: ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોને લઈને તેહરાન તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે ભારત સાથેના પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા છે. બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ સતત આગળ વધી રહ્યો હોવાનું પણ ઈરાને જણાવ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મુલાકાત થઈ હતી.
ઈરાને ભારત સાથેના સંબંધોને ગણાવ્યા મહત્વપૂર્ણ
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગેઈએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત(India) સાથેના દ્વિપક્ષીય સંબંધો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણ રહ્યું છે. ઈરાનના જણાવ્યા પ્રમાણે વેપાર, અર્થતંત્ર સહિત અનેક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ અને ચર્ચા ચાલુ છે. બંને દેશો BRICSના સભ્ય હોવાથી આ મંચ પણ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.
BRICS સમિટમાં ફરી ચર્ચાની શક્યતા
નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટને ભારત-ઈરાન(India) સંબંધો માટે મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહી છે. ઈરાનનું પ્રતિનિધિમંડળ સમિટમાં ભાગ લેવાનું છે. આ દરમિયાન બંને દેશો વેપાર, આર્થિક ભાગીદારી અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી શકે છે. ખાસ કરીને ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ભારત સાથે આર્થિક સહયોગનો મુદ્દો મહત્વનો બની શકે છે. અમેરિકાની નીતિને કારણે ઈરાન સાથે વેપાર કરતા દેશો માટે પણ કેટલાક પડકારો ઊભા થઈ શકે છે.

ચાબહાર પોર્ટ પર પણ રહેશે નજર
ભારત(India) અને ઈરાન વચ્ચે ચાબહાર બંદર લાંબા સમયથી વ્યૂહાત્મક સહયોગનો મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. આ પ્રોજેક્ટ ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી વૈકલ્પિક વેપાર માર્ગ પૂરો પાડવામાં મદદરૂપ થઈ શકે છે. ચાબહારને કારણે ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને આ વિસ્તારો સાથે જોડાવાની તક મળે છે. તેથી આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ બંને દેશો માટે ઘણું છે.
અમેરિકા પણ ભારત-ઈરાન સંબંધો પર નજર રાખી રહ્યું છે
બીજી તરફ, ભારત(India) અને ઈરાન વચ્ચે વધતા સહયોગને અમેરિકા પણ નજીકથી જોઈ રહ્યું છે. વોશિંગ્ટન દ્વારા ઈરાન પર વિવિધ આર્થિક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે અને અન્ય દેશોને પણ આ પ્રતિબંધોનું પાલન કરવા માટે દબાણ કરવામાં આવે છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ અગાઉ કહ્યું હતું કે દરેક દેશને પોતાની વિદેશ નીતિ નક્કી કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચવામાં મદદ ન કરવી જોઈએ. આ સ્થિતિમાં ભારત-ઈરાન વચ્ચે વેપાર અને વ્યૂહાત્મક સહયોગ કેવી દિશામાં આગળ વધે છે અને તેના પર અમેરિકાની પ્રતિક્રિયા શું રહે છે, તેના પર હવે સૌની નજર રહેશે.
આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં
આ પણ વાંચો: અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી; સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, ઓઈલ ટેન્કરો ડુબાડી દઈશું
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો ખાસ 1 ડૉલરનો સિક્કો લોન્ચ, વેચાણ શરૂ થતાં જ થયો સ્ટોક આઉટ
