US Defense Secretary Pete Hegseth Iran Warning: ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને તણાવ વધુ ગંભીર બની રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનને સીધી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો ઈરાન અમેરિકી નૌકાદળના જહાજો પર હુમલો કરશે તો અમેરિકા ઈરાનના ઓઈલ ટેન્કરોને નિશાન બનાવી શકે છે અને જરૂર પડે તો તેમને નષ્ટ કરીને સમુદ્રમાં ડુબાડી દેશે. હેગસેથે આ વાત સોશિયલ મીડિયા પર અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરના નિવેદનને ટાંકીને કહી હતી.
ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરો પર અમેરિકી કાર્યવાહી
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકી દળોએ શનિવારે ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરો સામે કાર્યવાહી કરી હતી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC તરફથી બે અમેરિકી નૌકાદળના જહાજો તરફ બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવ્યા બાદ કરવામાં આવી હતી. અમેરિકાના(US) જણાવ્યા પ્રમાણે, ત્રણેય ટેન્કરોમાંથી બેને કાયમી રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા, જ્યારે ત્રીજા ખાલી ટેન્કરને નષ્ટ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ખર્ગ આઇલેન્ડ, જાસ્ક અને ગલ્ફ ઓફ ઓમાન નજીક કરવામાં આવી હોવાનું અમેરિકાએ જણાવ્યું છે. અમેરિકી સૈન્યએ કહ્યું છે કે આ ઘટનામાં કોઈ અમેરિકી કર્મચારીને ઈજા થઈ નથી.

બ્રેડ કૂપરની પણ કડક ચેતવણી
CENTCOMના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે ઈરાનને ચેતવણી આપતાં કહ્યું કે જો અમેરિકી(US) જહાજો પર હુમલો કરવામાં આવશે તો ઈરાનને તેની આર્થિક કિંમત ચૂકવવી પડશે. તેમણે જરૂર પડ્યે ઈરાનના મર્યાદિત અને અસુરક્ષિત ઓઈલ ફ્લીટને નિશાન બનાવવાની વાત કરી છે.
ઈરાનનો પણ કડક જવાબ
બીજી તરફ, ઈરાન સાથે જોડાયેલા અધિકારીઓ અને મીડિયા તરફથી પણ અમેરિકાને(US) ચેતવણી આપવામાં આવી છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ વિસ્તારમાં કેટલાક જહાજોને નિશાન બનાવ્યા છે. જોકે, આ દાવાઓની અમેરિકી(US) તરફથી તાત્કાલિક પુષ્ટિ થઈ નથી. ઈરાનનું કહેવું છે કે જો તેના જહાજો સામે કાર્યવાહી અને નૌકાદળની નાકાબંધી ચાલુ રહેશે તો તેની સૈન્ય પ્રતિક્રિયા વધુ ગંભીર બની શકે છે. હોર્મુઝ વિશ્વના મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંથી એક હોવાથી અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો આ તણાવ વૈશ્વિક ઓઈલ સપ્લાય અને ઊર્જા બજારો પર પણ અસર કરી શકે છે.
આ પણ વાંચો: ગ્રીસમાં એર શો દરમિયાન ભયાનક દુર્ઘટના; F-4 ફાઈટર જેટ તૂટી પડતા બે પાઈલટના કરૂણ મોત
આ પણ વાંચો: ઈરાનના ચીફ જસ્ટિસ જામા મસ્જિદ પહોંચ્યા: સુન્ની ઈમામની પાછળ ઊભા રહી નમાજ અદા કરી
આ પણ વાંચો:ભારતની વાત હવે યુરોપને સમજાઈ: બેલ્જિયમના PMએ કહ્યું- મોદીએ વર્ષો પહેલાં આપી હતી ચેતવણી
