US Iran Tensions Crude Oil Price Hike: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં વધતી અસ્થિરતાને કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં વધારો નોંધાયો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો વિશ્વભરમાં મોંઘવારીનું દબાણ વધવાની આશંકા છે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સામે અમેરિકાની જીત બાદ ઓઈલ અને ગેસના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે.
ટ્રમ્પનો દાવો- યુદ્ધ બાદ ઝડપથી ઘટશે ભાવ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા ઊર્જાના વધતા ભાવ અંગે પોતાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ઈરાન(Iran) સામેના સંઘર્ષમાં અમેરિકાની જીત બાદ આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર ફરી સ્થિર થઈ શકે છે. ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે યુદ્ધ પૂર્ણ થયા બાદ ઓઈલના ભાવ ઝડપથી નીચે આવશે. સાથે જ અમેરિકામાં ગેસની કિંમત પ્રતિ ગેલન 3 ડોલર સુધી ઘટી શકે છે અને ત્યારબાદ તે 2 ડોલરથી પણ નીચે જવાની શક્યતા છે. તેમણે ઈરાનને પરમાણુ હથિયાર વિકસાવવા ન દેવાની વાત પણ કરી છે.
Iranમાં ઈંધણના ભાવમાં ફરી વધારો
બીજી તરફ, આર્થિક મુશ્કેલીઓ અને અમેરિકા સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાને(Iran) સ્થાનિક ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. અહેવાલો અનુસાર, આ પ્રકારનો બીજો ભાવવધારો છે. નવા નિયમ હેઠળ નિર્ધારિત માસિક ક્વોટા કરતાં વધુ પેટ્રોલ ખરીદતા ગ્રાહકોને પ્રતિ લીટર 1 લાખ ઈરાની રિયાલ ચૂકવવા પડશે. આ દર અગાઉની સરખામણીમાં લગભગ બમણો હોવાનું જણાવવામાં આવ્યું છે.
બ્રેન્ટ ક્રૂડ 97 ડોલરની નજીક
મિડલ ઈસ્ટમાં તણાવ વધતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ આશરે 97.55 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો છે, જ્યારે WTI ક્રૂડ લગભગ 93 ડોલર પ્રતિ બેરલ આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આ ઉપરાંત મરબાન ક્રૂડમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને તેનો ભાવ આશરે 107 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો છે.
મોંઘવારી વધવાનો ખતરો
ક્રૂડ ઓઈલના ભાવમાં લાંબા સમય સુધી વધારો રહે તો તેની અસર પેટ્રોલ-ડીઝલ, પરિવહન, ઉત્પાદન અને અન્ય ચીજવસ્તુઓના ખર્ચ પર પડી શકે છે. પરિણામે વિવિધ દેશોમાં મોંઘવારી વધવાનું જોખમ ઊભું થઈ શકે છે. હવે બજારની નજર અમેરિકા-ઈરાન(Iran) વચ્ચેના સંઘર્ષના આગામી વિકાસ અને વૈશ્વિક સપ્લાય પર તેની અસર પર છે. જો તણાવ ઘટશે તો ઓઈલના ભાવમાં રાહત મળી શકે છે, જ્યારે સંઘર્ષ વધુ ગંભીર બનશે તો ભાવમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે.
આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં
આ પણ વાંચો: અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી; સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, ઓઈલ ટેન્કરો ડુબાડી દઈશું
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો ખાસ 1 ડૉલરનો સિક્કો લોન્ચ, વેચાણ શરૂ થતાં જ થયો સ્ટોક આઉટ
