ઉત્તર કોરિયાના તાનાશાહ “કિમ જોંગ ઉન” અને રશિયાના રાષ્ટ્રપતિ “વ્લાદિમીર પુતિન” વચ્ચે આ મહિને મુલાકાત થઈ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ બેઠક રશિયામાં યોજાશે અને આ બેઠકમાં હથિયારોની ડીલ પર ચર્ચા કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયા યુક્રેન યુદ્ધ માટે રશિયાને હથિયારો સપ્લાય કરી શકે છે. આ અહેવાલો એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકાએ ગયા અઠવાડિયે રશિયાને ઉત્તર કોરિયા સાથે ગુપ્ત વાતચીતને લઈને ચેતવણી આપી હતી.
ઉત્તર કોરિયા પણ આ ડીલ માટે ઉત્સુક છે
અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિયન વોટસને કહ્યું કે, અમે પહેલાથી જ જાહેરમાં ચેતવણી આપી દીધી છે કે રશિયા અને ડીપીઆરકે વચ્ચે હથિયારોની ડીલ અંગે વાતચીત ચાલી રહી છે. વાસ્તવમાં રશિયા ઉત્તર કોરિયા પાસેથી લાંબા અંતરની મિસાઈલો ખરીદી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયા પણ આ ડીલ માટે ઉત્સુક છે. આ જ કારણ છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન જે સામાન્ય રીતે દેશ છોડતા નથી તે આ મહિને રશિયાની મુલાકાત લઈ શકે છે.
ગત વર્ષે પણ ઉત્તર કોરિયાએ રશિયાને હથિયારોની સપ્લાય કરી હતી
અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે, ઉત્તર કોરિયાએ ગયા વર્ષે રશિયાને રોકેટ અને મિસાઈલ પણ સપ્લાઈ કરી છે. જેનો ઉપયોગ વેગનર ગ્રુપ દ્વારા કરવામાં આવતો હતો. રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ સોઇગુએ પણ ગયા મહિને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. ગયા અઠવાડિયે, યુએસ, બ્રિટન, દક્ષિણ કોરિયા અને જાપાને સંયુક્ત રાષ્ટ્રમાં એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું હતું કે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારતી કોઈપણ ડીલ સુરક્ષા પરિષદના ઠરાવનું ઉલ્લંઘન માનવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રશિયાએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.
આ પણ વાંચો: દુઃખદ/ જાણીતા ભજનિક લક્ષ્મણ બારોટનું આકસ્મિક નિધન
આ પણ વાંચો: I.N.D.I.A Vs NDA/ આજે વિપક્ષી I.N.D.I.A ગઠબંધન અને NDA વચ્ચે પ્રથમ જંગ: જાણો આ સાત વિધાનસભા બેઠકોનું સમીકરણ
આ પણ વાંચો: Jill Biden Covid/ જો બિડેનની પત્ની જીલ કોરોના પોઝિટિવ, G20 સમિટમાં યુએસ પ્રમુખના આગમન પર શંકા
