Bhavnagar News : 15 નવેમ્બરના રોજ ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં પ્રેમ સંબંધના કરુણ અંજામની ઘટના સામે આવી હતી. જે દિવસે યુગલના લગ્ન થવાના હતા તે દિવસે જ ભાવી પતિ એવા પ્રેમી ‘સાજન’એ ભાવિ પત્ની ‘સોની’ની લોખંડના પાઈપ અને દીવાલ સાથે માથું ભડકાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. હત્યારો સાજન આ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે જૂદી-જુદી ટીમો બનાવી હેવાન સાજનને ગત રાત્રિના ઝડપી લઈ આજે (17 નવેમ્બર) બપોરના ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતું. હવે પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરશે.
સાજનને ગંગાજળિયા પોલીસ દ્વારા સૌપ્રથમ સોનીના નાનીના ઘર પાસે વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યાં સાજન બિન્દાસ ચાલતો હતો અને તેનાં મોઢા પર કોઇપણ અફસોસ જેવું જણાતું નહોતું. આ વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ સાજનને ઘર પાસે શેરીમાં લાવવામાં આવતા તેણે હવે આવું નહીં કરું એવું બોલી લોકોની માફી માગી હતી. ઘર પાસે પણ સાજનને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ ઘટના અંગે સીટી DYSP આર. આર.સિંધાલે જણાવ્યું હતું કે, શહેરના ટેકરી ચોક પાસે આવેલાં બમ્બા ખાના પાસે આવેલી શેરી નંબર 10માં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં સોનીબેનના લગ્ન સાજન ઉર્ફે ભૂરા સાથે થવાના હતા. વહેલી સવારે સાજન ઉર્ફે ભૂરાએ સોનીબેનના ઘરે આવી પાનેતર તથા પૈસાની બાબતે બોલાચાલી થઈ હતી. ઉગ્ર ઝઘડો થતા સાજને પાઈપ દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતાં સોનીબેનનું મોત થયું હતું.
આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકે મૃતક યુવતી સોનીના ભાઈ વિપુલ હિંમતભાઈ રાઠોડે (ઉં.વ.25) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની 22 વર્ષીય બહેન સોનીને છેલ્લા આઠ મહિનાથી સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારૈયા (રહે.પ્રભુદાસ તળાવ, ભાવનગર) સાથે પ્રેમસંબંધ હતો અને બંને સાથે (લિવ-ઈન) રહેતા હતા. આ સંબંધને સ્વીકારી પરિવારે બન્નેના લગ્ન 15 નવેમ્બર, 2025ના રોજ નક્કી કર્યા હતા અને કંકોત્રી પણ છપાવી હતી.લગ્નની આગલી રાતે એટલે કે 14 નવેમ્બરની રાત્રે દસેક વાગ્યાના સુમારે, સાજને સોનીને માર મારતા તે ભાગીને પોતાના ઘરે આવી હતી.
સાજનથી બચાવવા માટે પરિવારે સોનીને તેના નાનીમા શાંતાબેન બાંભણીયાના ઘરે કરચલીયાપરા, પોપટનગર મોકલી આપી હતી. રાતના બે વાગ્યે સાજન વિપુલભાઈના ઘરે આવ્યો હતો. આરોપીએ વિપુલભાઈના નાના ભાઈ સુનીલ ઉર્ફે બાબુને છરી બતાવી ઢોરમાર માર્યો હતો, ઉપરાંત સોની ક્યાં છે એમ પુછ્યું હતું. પિતા હિંમતભાઈ વચ્ચે પડતા સાજને તેમને પણ ધોકા વડે પગે ઇજા પહોંચાડી હતી.
ત્યારબાદ આરોપી સાજન પોપટનગર ખાતે નાનીમાના ઘરે પહોંચ્યો હતો.બાદમાંધમકી આપીને સોનીબેનનું બળજબરીપૂર્વક અપહરણ કરી તે તેને પોતાના ઘરે લઈ ગયો હતો. 15 નવેમ્બરના સવારના નવેક વાગ્યાના અરસામાં, વિપુલભાઈના ભાઈ સુનીલે ઘરે આવીને જાણ કરી કે, સાજન ઉર્ફે ભૂરાના ઘરમાં સોનીની લાશ પડેલી છે. ઘટનાસ્થળે પ્રભુદાસ તળાવ, શેરી નં.10 પર વિપુલભાઈ, તેમના માતા-પિતા સાથે પહોંચ્યા, ત્યારે ઘરમાં સોનીની લાશ પડી હતી.
સોનીને માથામાં ડાબી બાજુએ કાનથી ઉપરના ભાગે ગંભીર ઘા હતો, જેમાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. તે સિવાય તેના મોઢા, છાતી, પીઠ, આંખો અને ગોઠણના ભાગે મુંઢ ઇજાઓ પણ હતી. સ્થળ પરથી લોહીવાળો લોખંડનો પાઈપ પણ મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે, આ પાઈપ વડે જ ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો.બાદમાં આરોપી સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારૈયા સોનીબેનની હત્યા કરી ઘર ખુલ્લું મૂકી ભાગી ગયો હતો.
બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સોનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી સાજન ઉર્ફે ભૂરા વિરુદ્ધ હત્યા, અપહરણ, ધમકી અને મારપીટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સાજન ઉર્ફે ભૂરાને ઝડપી કઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:રાજકોટમાં કોળી સમાજના સંત ઋષિભારતી બાપુનું વિવાદિત નિવેદન
આ પણ વાંચો:ઋષિ ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક

