Entertainment News: મુંબઈના જુહૂ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા શેર કરાયેલી આ ક્લિપમાં સલમાન ખાન(Salman khan)ને ધમકી આપવામાં આવી હોવાનો દાવો છે. સાથે જ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજ(Bishnoi Community)ની માફી માંગવાની વાત પણ કહેવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ માટે પોલીસે 15 ટીમો કામે લગાવી છે.
ઓડિયો ક્લિપમાં Salman khan અને તેમના પરિવારને ધમકી
સામે આવેલી ઓડિયો ક્લિપમાં અનિલ પંડિતે સલમાન ખાનને સંબોધીને લોરેન્સ બિશ્નોઈ(Lawrance Bishnoi) અને બિશ્નોઈ સમાજની માફી માંગવા કહ્યું હોવાનું સામે આવ્યું છે. ક્લિપમાં લોરેન્સ બિશ્નોઈને પોતાનો મોટો ભાઈ ગણાવતાં અનિલ પંડિતે માફી નહીં માંગવામાં આવે તો સલમાન ખાનના ઘરમાં કૂતરાને પણ છોડવામાં નહીં આવે તેવી ધમકી આપી હોવાનો દાવો છે.
આ ઉપરાંત, ક્લિપમાં સલમાન ખાનના પરિવારને નુકસાન પહોંચાડવાની વાત પણ કરવામાં આવી છે. સલમાન ખાનને સુરક્ષાના ભરોસે ન રહેવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ, આ ઓડિયો ક્લિપમાં સલમાન ખાનને ધમકી આપવા સાથે લોરેન્સ બિશ્નોઈની માફી માંગવાની માગણી પણ કરવામાં આવી છે.
જુહૂમાં ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના
મુંબઈના જુહૂ વિસ્તારમાં રવિવારે સાંજે આશરે 7 વાગ્યે પુષ્પા નરસી પાર્ક (જામનાબાઈ નર્સરી) નજીક ફાયરિંગની ઘટના બની હતી. ટાઇગર શ્રોફ ત્યાંથી બહાર નીકળી રહ્યો હતો તે દરમિયાન બાઇક પર આવેલા ત્રણ શખ્સોમાંથી બે વ્યક્તિએ તેની BMW કારને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો.
ત્રીજો શખ્સ બાઇક સાથે ત્યાં હાજર રહ્યો હતો, જેથી અન્ય બંનેને ઘટનાસ્થળેથી ભાગવામાં મદદ મળી શકે. હુમલાખોરોએ આશરે સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જણાવાયું છે.
આ ઘટનામાં ટાઇગર શ્રોફ ગોળી વાગવાથી બચી ગયો હતો, પરંતુ કારના કાચ તૂટતાં તેને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેના ડ્રાઇવર ફિરદોસના ડાબા હાથમાં ગોળી વાગી હતી. આ ઉપરાંત, એક રાહદારી પણ ઈજાગ્રસ્ત થયો હતો.
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારવાનો દાવો
ફાયરિંગ બાદ અનિલ પંડિત(Anil Pandit)અને હરમાન સંધૂ નામના વ્યક્તિઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કર્યો હતો. પોસ્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ટાઇગર શ્રોફને સલમાન ખાન સાથે કામ ન કરવા અગાઉ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેણે આ ચેતવણીને અવગણી હતી.
પોસ્ટમાં વધુમાં એવી ધમકી પણ આપવામાં આવી હોવાનું કહેવાય છે કે મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે લોકો તેમની વાત નહીં માને અથવા સલમાન ખાન સાથે કામ કરશે, તેઓ આગામી નિશાન બની શકે છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચની 15 ટીમો તપાસમાં જોડાઈ
ફાયરિંગ કેસની તપાસ માટે મુંબઈ પોલીસે(Mumbai Police) ક્રાઈમ બ્રાંચ સહિત કુલ 15 ટીમોની રચના કરી છે. પોલીસ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ અને અનિલ પંડિતના નામે સામે આવેલી ઓડિયો ક્લિપની ખરાઈ કરી રહી છે.
હુમલામાં સામેલ શખ્સોને શોધવા માટે પોલીસ સીસીટીવી ફુટેજ અને ફોરેન્સિક પુરાવાઓની મદદ લઈ રહી છે. તપાસ આગળ વધતાં ફાયરિંગ પાછળના કારણો અને તેમાં સામેલ લોકો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: ટાઇગર શ્રોફ પર ફાયરિંગની પ્રત્યક્ષદર્શીની આંખે દેખેલી ઘટના, મહિલા વ્લોગરે કર્યો ખુલાસો
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈ ગેંગનો કેનેડા સરકારને ધમકીભર્યો પત્ર: 5 હજાર સભ્યોનો દાવો, ‘કેનેડા પર રાજ કરીશું’
આ પણ વાંચો: સલમાન ખાન પછી હવે આમિર ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર? સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટથી ખળભળાટ
