Sanand News/ સાણંદ-વિરમગામ હાઈવે પર તરસ છિપાવવા ગયેલા 33 પશુઓ માટે પાણી ‘મોત’ સાબિત થયું

સાણંદ (Sanand) -વિરમગામ હાઈવે પર અકસ્માત બાદ ઢોળાયેલું ઝેરી કેમિકલ પીવાથી 33 ઘેટા-બકરાના મોત થયા છે. પશુપાલકે વળતર અને જવાબદારો સામે પગલાની માંગ કરી છે.

Gujarat Top Stories Ahmedabad
Sanand Viramgam Highway Chemical Animal Death

Sanand Viramgam Highway Chemical Animal Death: સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા વિરોચનનગર પાટિયા પાસે આજે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. રસ્તાની સાઈડમાં ભરાયેલું કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાને કારણે કચ્છના એક માલધારીના અંદાજે 33 જેટલા ઘેટા-બકરાના કરુણ મોત નીપજ્યા છે. તરસ છિપાવવા ગયેલા અબોલ પશુઓ માટે આ પાણી ‘ઝેર’ સાબિત થયું હતું.

Sanand Viramgam Highway Chemical Animal Death

અકસ્માત બાદ ફેલાયેલા કેમિકલે લીધો ભોગ

મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા વિરોચનનગર પાટિયા પાસે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન એક કેમિકલ ભરેલા ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ રસ્તાની બાજુમાં ઠલવાયું હતું. દુર્ઘટનાના દિવસો વીતી ગયા હોવા છતાં આ કેમિકલનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નહોતો, જે આજે મોટી હોનારતનું કારણ બન્યું.

ગણતરીની મિનિટોમાં પશુઓના દેહ પડ્યા

આજે સવારે 10 વાગ્યાની આસપાસ, કચ્છથી માલધારી રઘુભાઈ રબારી પોતાના પશુઓ લઈને સાણંદ તરફ જઈ રહ્યા હતા. ગરમીને કારણે તરસ્યા થયેલા પશુઓએ રસ્તાની સાઈડમાં ભરાયેલું કેમિકલયુક્ત પાણી પીધું હતું. ઝેરી કેમિકલની અસર એટલી તીવ્ર હતી કે પાણી પીધાના ગણતરીની મિનિટોમાં જ તમામ 33 પશુઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

Sanand Viramgam Highway Chemical Animal Death

તંત્રની બેદરકારી સામે રોષ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, અકસ્માત બાદ કેમિકલનો સલામત નિકાલ ન કરવામાં આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ મામલે કડક કાર્યવાહીની માંગ કરતા GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે અને જવાબદાર ટેન્કર માલિક કે કંપની સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આ ઉપરાંત, ગરીબ પશુપાલકે પોતાના જીવનનિર્વાહનું એકમાત્ર સાધન ગુમાવ્યું છે, ત્યારે તેમને યોગ્ય સરકારી વળતર મળે તેવી પણ અપેક્ષા અને માંગ પ્રબળ બની છે.

આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર કેમિકલના પરિવહન અને અકસ્માત બાદ તેની સાફ-સફાઈની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો: સાણંદમાં ટાટા મોટર્સનું ઉત્પાદન 50% ઘટશે, ગુજરાતમાં નોકરીઓ પર પડી શકે અસર

આ પણ વાંચો: લાંચ લેતા સાણંદના સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે