CM Bhupendra Patel Amreli Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લાના આંતરમાળખાકીય વિકાસને વેગ આપવા માટે ₹707 કરોડના વિવિધ 24 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. અમરેલી એ.પી.એમ.સી. ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે અમરેલીના વિકાસ માટે રાજ્ય સરકાર ઉદાર હાથે નાણાં ફાળવવા કટિબદ્ધ છે.
₹681 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
અમરેલી જિલ્લામાં જનસુખાકારી વધારવા માટે સરકારે મોટા પાયે આયોજન કર્યું છે, જેના ભાગરૂપે 681.78 કરોડના ખર્ચે 14 વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરીને પાયો નખાયો છે. આ ઉપરાંત, 25.23 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 10 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને તેમને જનતાને સમર્પિત કરાયા છે. સાથે જ, ખેડૂતોના ખેત ઉત્પાદનોના રક્ષણ માટે 12 કરોડના ખર્ચે નિર્મિત 2 લાખ ચોરસ ફૂટના વિશાળ ‘વિરાટ’ શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Amreli બનશે નવું ઇન્ડસ્ટ્રિયલ હબ
મુખ્યમંત્રીએ અમરેલીના ઔદ્યોગિક ભવિષ્ય અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, તાજેતરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં અમરેલી માટે ₹36,000 કરોડના MOU થયા છે. આ ઉપરાંત, જિલ્લામાં નવી GIDC ને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ, અમરેલીના ટ્રાફિક અને પરિવહનને સુધારવા માટે ₹272 કરોડના ખર્ચે રાધેશ્યામ માચીયાળા બાયપાસ (રિંગ રોડ) નું નિર્માણ પણ કરવામાં આવશે.
પાણીના સંકટ સામે આગોતરું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય તે માટે ‘કેચ ધ રેઇન’ અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ હેતુ માટે ધારાસભ્યોને દર વર્ષે ₹50 લાખની અલગ ગ્રાન્ટ વરસાદી પાણીના સંગ્રહ માટે ફાળવવામાં આવી રહી છે.

અન્ય મહત્વના પ્રોજેક્ટ્સ પર એક નજર
આ વિકાસ કાર્યો અંતર્ગત લાઠી રોડ રેલવે ફાટક પર ₹95 કરોડના ખર્ચે નવો ઓવરબ્રીજ બનશે. શિક્ષણ ક્ષેત્રે બાબાપુર માર્ગે ₹૩૫ કરોડના ખર્ચે ‘કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ’ તૈયાર થશે. આ ઉપરાંત યુવા સુવિધાઓ વધારવાના ભાગરૂપે ₹25 કરોડના ખર્ચે વિજ્ઞાન કેન્દ્ર અને ₹16 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવશે. આ સાથે જ, અમરેલી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે પણ સરકારે બજેટ વધારીને ₹70 કરોડની મંજૂરી આપી દીધી છે.
આ પ્રસંગે ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, જગદીશ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અને દિવ્યાંજનોને ઇ-ટ્રાઇસીકલ અર્પણ કરવામાં આવી હતી.
