Sports News :ક્રિકેટ મેચ (Match) માં કહેવત છે કે ‘તમારું બેટ જ તમારી પસંદગીનો જવાબ હોવો જોઈએ’, અને મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાને આ વાત સાબિત કરી બતાવી છે. ટીમ ઈન્ડિયામાંથી પડતા મુકાયા બાદ અને સતત નજરઅંદાજ થયા બાદ, સરફરાઝે ઘરેલુ ક્રિકેટમાં તોફાન મચાવી દીધું છે. હાલમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફી 2025-26 માં તેણે જે રીતે બેટિંગ કરી છે, તેનાથી ભારતીય પસંદગીકારો ફરી એકવાર તેના નામ પર વિચાર કરવા મજબૂર થઈ ગયા છે.

ગોવા મેચ (Match) સામે ‘સરફરાઝ શો’: 14 છગ્ગા અને 9 ચોગ્ગાનો વરસાદ
સરફરાઝ ખાનનું બેટ ગોવા સામેની મેચ (Match) માં આગ ઓકતું જોવા મળ્યું હતું. તેણે T20 ના અંદાજમાં વન-ડે મેચ (Match) રમી હતી.
સરફરાઝે માત્ર 75 બોલમાં 157 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેમાં તેણે મેદાનની ચારેબાજુ 9 ચોગ્ગા અને ગગનચુંબી 14 છગ્ગા ફટકાર્યા હતા.
તેની આ ઇનિંગના કારણે મુંબઈની ટીમે ગોવાને 87 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત ચોથો વિજય મેળવ્યો હતો અને એલિટ ગ્રુપ-C માં ટોપ પોઝિશન જાળવી રાખી છે.
આ મેચ (Match) માત્ર સરફરાઝ માટે જ નહીં, ખાન પરિવાર માટે પણ ખાસ હતી. સરફરાઝની સાથે તેનો નાનો ભાઈ મુશીર ખાન પણ શાનદાર ફોર્મમાં હતો. મુશીરે 60 રન બનાવ્યા હતા.
મેચ (Match) બાદ મીડિયા સાથે વાત કરતા સરફરાઝે કહ્યું, “અમારું (બંને ભાઈઓનું) એક સપનું છે કે અમે એક જ મેચમાં, એકસાથે સદી ફટકારીએ. રણજી ટ્રોફીમાં પણ અમે આની નજીક પહોંચ્યા હતા અને આજે પણ મુશીર જે રીતે રમી રહ્યો હતો, મને લાગ્યું કે સપનું પૂરું થશે. પણ કદાચ હજુ અમારે થોડી રાહ જોવી પડશે.” જોકે, સરફરાઝે પોતાની સદી પૂરી કરી હતી, પણ મુશીર 60 રન પર આઉટ થતા સરફરાઝ થોડો નિરાશ દેખાયો હતો.

ફિટનેસ પર કામ અને ટીમ ઈન્ડિયાથી દૂરી
સરફરાઝ ખાન છેલ્લે નવેમ્બર 2024 માં ન્યુઝીલેન્ડ સામે વાનખેડે ટેસ્ટમાં જોવા મળ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સ્કોડમાં હોવા છતાં તેને તક મળી ન હતી અને પછી વેસ્ટ ઈન્ડિઝ તથા સાઉથ આફ્રિકા સીરીઝમાં તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો.
ટીમમાંથી બહાર થયા પછી સરફરાઝે હિંમત હારવાને બદલે પોતાની નબળાઈ ગણાતી ‘ફિટનેસ’ પર સખત મહેનત કરી છે. તેણે નોંધપાત્ર વજન ઘટાડ્યું છે અને હવે તે પહેલા કરતા વધારે ફિટ દેખાઈ રહ્યો છે. આ નવી ફિટનેસ તેના રનિંગ બિટવીન ધ વિકેટ્સ અને ફિલ્ડિંગમાં પણ દેખાઈ રહી છે.

સરફરાઝની રણનીતિ: “શરૂઆતમાં ધીરજ, પછી આક્રમણ
પોતાની ઈનિંગ વિશે વાત કરતા સરફરાઝે કહ્યું કે, “જ્યારે હું બેટિંગ કરવા ગયો ત્યારે ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. સવારે બોલ સ્વિંગ થઈ રહ્યો હતો, તેથી મેં શરૂઆતમાં સમય લીધો. હું ઘણું વન-ડે ક્રિકેટ રમ્યો છું અને મને ખબર છે કે ઈનિંગ કેવી રીતે બનાવવી. એકવાર પિચ સેટ થઈ ગઈ, પછી મેં આક્રમણ શરૂ કર્યું. ફિલ્ડરો અંદર હતા એટલે મને મારા કટ અને સ્વીપ શોટ રમવાની આઝાદી મળી.”

શું હવે ટીમ ઈન્ડિયાના દરવાજા ખુલશે?
સરફરાઝે ભારત માટે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ (Match) રમી છે જેમાં તેણે 37.10 ની સરેરાશથી 371 રન બનાવ્યા છે (1 સદી, 3 અડધી સદી). ઘરેલુ ક્રિકેટમાં તેના આ સાતત્યપૂર્ણ પ્રદર્શન અને સુધારેલી ફિટનેસને જોતા, એવું લાગી રહ્યું છે કે તે ટૂંક સમયમાં જ ફરીથી ‘બ્લૂ જર્સી’ કે ‘ટેસ્ટ વ્હાઈટ’ માં જોવા મળી શકે છે. વિજય હજારે ટ્રોફીમાં માત્ર 3 ઈનિંગમાં તેણે 220 રન બનાવી લીધા છે.
સરફરાઝ ખાનનો આ ‘બીજો અધ્યાય’ તેના ટીકાકારો માટે જડબાતોડ જવાબ છે. જો તે આ જ લય જાળવી રાખશે, તો પસંદગીકારો તેને લાંબો સમય ટીમની બહાર રાખી શકશે નહીં.
