રાજ્યમાં શનિવારનો દિવસ ખુબજ ભારે રહ્યો હતો. શનિવારે એટલા બધા અકસ્માતોના બનાવો બન્યા હતા કે પોલીસ અને 108 એમ્બ્યુલસની ગાડીઓ દોડતી થઈ ગઈ હતી. સૌથી પહેલા વાંકાનેર પાસેથી એક્સીડેન્ટના સમાચાર સામે આવ્યા હતા. જ્યાં ટ્રક ચાલકે ચાર લોકોને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જયારે ત્રણ લોકો તેમાં ગંભીર રૂપે ઘાયલ થયા હતા. ત્યારબાદ આણંદ જિલ્લામાં થર્મલ ચોકડી પાસે પણ ગમખ્વાર અકસમાતનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રિપલ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. તે પછી ખેડા જિલ્લામાં મહુધા જવાના માર્ગ પર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ cng રીક્ષા ઘુસી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે 6 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને નજીકના હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લેતી. મહુધાના કૈયજ પાટીયા પાસે ટ્રેકટરની ટ્રોલી પાછળ CNG પેસેન્જર રિક્ષા અથડાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. મહેમદાવાદના કુણા ગામના સાત વ્યક્તિઓ રિક્ષા લઈને પાવાગઢ મંદિરેથી દર્શન કરી પરત ઘરે જતાં હતાં તે દરમિયાન રસ્તામાં અકસ્માત નડ્યો છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
મહેમદાવાદ તાલુકાના કુણા ગામના અરવિંદભાઈ જયંતિભાઈ વાઘેલા તથા તેમના જ્ઞાતિના અન્ય છ એક વ્યક્તિઓ ગુરૂવારની સાંજે CNG પેસેન્જર રિક્ષા નં. 07 AT 6387માં બેસીને પાવાગઢ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. રાત ત્યાં રોકાઈ બીજા દિવસે એટલે કે ગઈકાલે તમામ લોકો ઉપરોક્ત રિક્ષામાં બેસી પરત કુણી ગામે આવી રહ્યા હતા.
