Jamnagar News : જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલનું આગામી સમયમાં નવનિર્માણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ માટે ગત બજેટમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. આગામી વર્ષ 2025-26ના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ખાતે આસપાસના અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, ત્યારે આ હોસ્પિટલના નવનિર્માણ કાર્ય દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે જેની તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ મુલાકાત લઈ તલસ્પર્શી સમિક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.
હોસ્પિટલને મળશે આ નવી સુવિધાઓ
DNB કોર્સ અને સુપર સ્પેશિયાલિટી કોર્સ શરૂ કરવા જિનેટિક લેબોરેટરીની સંપૂર્ણ સુવિધા, ઓન્કો-હિમેટોમીની વિંગ, GOG હેઠળ સ્કીલ લેબોરેટરીની, 500 વિદ્યાર્થીઓની ક્ષમતાનો તફાવત ભરવા માટે હોસ્ટેલની સુવિધા, વર્ગ-1 થી 4 માટે જરૂરી ક્વાર્ટર સાથે કેમ્પસનું રિમોડેલિંગ, કેમ્પસના રહેવાસીઓ માટે સિવિક સેન્ટર શરૂ કરવામાં આવશે.
હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ વિભાગો
ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે 1.ઈ.એન.ટી વિભાગ, 2.મેડીસીન વિભાગ, 3.ગાયનેક વિભાગ, 4.ઓપ્થેમોલોજી વિભાગ, 5.ઓર્થોપેડીક વિભાગ, 6.પીડીયાટ્રિક વિભાગ, 7.સાયકાયટ્રી વિભાગ, 8..ટી.બી. અને ચેસ્ટ વિભાગ, 9.સ્કીન વિભાગ, 10.સર્જરી વિભાગ તેમજ સ્પેશિયાલીટી વિભાગ તરીકે 1.રેડિયોથેરાપી વિભાગ, 2.ન્યુરોસર્જરી વિભાગ, 3.યુરોલોજી વિભાગ, 4.કાર્ડિયોલોજી વિભાગ આ ઉપરાંત સુપર સ્પેશિયાલીટી વિભાગ તરીકે તેમજ 1.રેડિયોલોજી વિભાગ, 2.પેથોલોજી વિભાગ, 3.માઈક્રોબાયોલોજી વિભાગ, 4.બાયોકેમેસ્ટ્રી વિભાગ ડાયગ્નોસીસ વિભાગ કાર્યરત છે
હોસ્પિટલ અને કોલેજ મહેકમ
ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે વર્ગ-1 ની 3, વર્ગ-3 ની 35, વર્ગ-3 નર્સિંગ સ્ટાફની 813, વર્ગ-3 વહીવટી સ્ટાફની 59, વર્ગ-3 પેરામેડીકલની 147, વર્ગ-4 ની 378 મળી કુલ 1435 જગ્યાઓ કાર્યરત છે. ગત વર્ષે 8.15 લાખથી વધુ દર્દીઓએ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. વર્ષ 2024-25 ના ફેબ્રુઆરી માસ સુધીમાં હોસ્પિટલની ઓપીડી ખાતે 8,15,281 દર્દીઓની તપાસ કરાઈ છે. જેમાં આઈ.પી.ડી.માં 93,777, પ્રસુતિ કેસ 7874, 13,587 મુખ્ય સર્જરીઓ તથા 15,315 નાની સર્જરીઓ કરવામાં આવેલ છે. સાથે જ 17,49,594 લેબ પરિક્ષણ તથા 3,55,429 એક્સ-રે કરવામાં આવ્યા છે.
ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલને સંલગ્ન શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ ખાતે હાલ MBBSની 250, MS/MD PG ની 202, 22 ડિપ્લોમા સીટો ઉપલબ્ધ છે જ્યાં અંદાજે 1,700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહી 2 કોલેજ બિલ્ડીંગ તેમજ 22 વિભાગો આવેલા છે. વધુમાં ન્યુરોસર્જરી, યુરોલોજી અને કાર્ડિયોલોજી વગેરે જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો પણ કર્યરત છે. UG અને PG ના વિદ્યાર્થીઓ માટે 1962ની ક્ષમતા ધરાવતી 14 હોસ્ટેલો આવેલી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની MA તેમજ કેન્દ્ર સરકારની PMJAY અંતર્ગત જરૂરીયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં