વૃક્ષ શું છે જેની કિંમત આજે ન સમજવામાં આવી તો તે આવતા ભવિષ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ પ્રકારનાં અનેકો વાક્યો આપણે રાજનેતાઓનાં મોંઢે સાંભળી ચુક્યા છીએ. પરંતુ શું વૃક્ષોને કાપવામાં કોઇ પ્રકારનો ઘટાડો કરવામા આવ્યો છે, જવાબ મળશે નહી. આવો જ એક મુદ્દો તાજેતરમાં ખૂબ ચર્ચામાં આવી ગયો છે જ્યારે ગોરેગાવમાં આવેલી આરે કોલોનીમાં મેટ્રોનાં પ્રોજેક્ટને ધ્યાને લેતા ત્યાના વૃક્ષોને કાપવાનો આદેશ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ છે. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે બોમ્બે હાઈકોર્ટે મુંબઇનાં ગોરેગાંવમાં આરે કોલોનીમાં ઝાડ કાપવાના હુકમ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.

શનિવારે બોમ્બે હાઈકોર્ટમાં કેટલાક કાર્યકરોએ તાજી અપીલ દાખલ કરી ઝાડ કાપવાના હુકમ પર સ્ટે મુકવાની માંગ કરી હતી. વળી, વિરોધ કરી રહેલા 29 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બોરીવલી કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ગોરેગાંવનાં આરે જંગલમાં ઝાડ કાપવાના કિસ્સામાં શુક્રવારે જ્યારે લોકોએ ઝાડ કાપવાનું શરૂ કર્યું ત્યારે લોકોએ વિરોધ શરૂ કર્યો હતો, ત્યારબાદ પોલીસે લાકડીઓ મારફતે તેમને સ્થળ પરથી ખસેડ્યા હતા.

મરોલ મરોસી રોડ નજીક આરે ફોરેસ્ટ પર જ્યાં કલમ 144 લાગુ કરવામાં આવી છે ત્યાં એક કાર્યકર ઝાડને ગળે લગાવેલો જોવા મળ્યો હતો. મુંબઇની આગામી વિધાનસભાની ચૂંટણીઓનાં પગલે આરે કોલોનીમાં વૃક્ષો કાપવાનો મુદ્દો વધુ ઉગ્ર બની શકે તે ચર્ચાએ હવે જોર પકડ્યુ છે. આરે ફોરેસ્ટ વિશે મન મુકીને રાજકારણ ચાલી રહ્યુ છે. મુંબઈનાં આરે માં ‘ચિપકો આંદોલન’ની યાદો ફરી તાજા થઇ છે.

આપને જણાવી દઇએ કે ચિપકો આંદોલન પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવ્યું હતું. ભારતનાં લોકપ્રિય પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા, ચંડીપ્રસાદ ભટ્ટ અને ગૌરા દેવીનાં નેતૃત્વ હેઠળ ઉત્તરાખંડનાં ચમોલી જિલ્લામાં આ આંદોલન 1973 માં શરૂ થયું હતું. આ ચળવળની વિશેષ વિશેષતા એ હતી કે તેમાં પુરુષો કરતાં વધુ મહિલાઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી અને જ્યારે લોકો હાથમાં કુહાડી વડે ઝાડ કાપવા આવ્યા ત્યારે મહિલાઓ ઝાડ સાથે ભેટી ગઇ હતી. તેથી જ આ ચળવળનું નામ ‘ચિપકો આંદોલન’ પડ્યું હતુ.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
