Mahesana News : મહેસાણા જિલ્લાના રામોસણા ગામની પ્રાથમિક શાળાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શાળાના બાળકો પાસે કામ કરાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. વાયરલ વીડિયોમાં રામોસણા પ્રાથમિક શાળાના બાળકો કચરો ઉપાડતા અને શાળાના આજુબાજુના વિસ્તારમાં ફેંકતા જોવા મળી રહ્યા છે. કેટલાક બાળકો શાળાના અન્ય કામો કરતા પણ દેખાઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં લોકોએ શાળા પ્રશાસનની ટીકા કરી હતી અને બાળકો પાસે કામ કરાવવાને ખોટું ગણાવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “વાયરલ વીડિયો મીડિયાના માધ્યમથી મારા ધ્યાને આવ્યો છે. શાળાના જવાબદાર આચાર્યને નોટિસ આપીશું. શાળામાં બાળકો પાસે કામ કરાવવું યોગ્ય નથી. અમે શાળાના આચાર્ય પાસેથી ખુલાસો પણ માંગ્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વિધાર્થીઓની સંખ્યા મુજબ શાળામાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પ્રાથમિક શાળાઓને મિનિમમ 1800 રૂપિયા ગ્રાન્ટ પ્રતિમાસ અપાય છે.”
શિક્ષણાધિકારીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે બાળકો પાસે કામ શા માટે કરાવવામાં આવતું હતું અને આ અંગે કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ. આ ઘટના અંગે શાળાના આચાર્ય અથવા અન્ય કોઈ સ્ટાફ મેમ્બરે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બાળકો પાસે કામ કરાવવાને ખોટું ગણાવી રહ્યા છે અને શાળા પ્રશાસનની ટીકા કરી રહ્યા છે. આ ઘટના શિક્ષણ જગત માટે એક શરમજનક બાબત છે. બાળકોને શાળામાં ભણવા માટે મોકલવામાં આવે છે, ન કે કામ કરવા માટે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
@ ALPESH PATEL
આ પણ વાંચો: વડોદરામાં કર્મચારીઓની હડતાળને લઇ 15 શાળાના બાળકો રહ્યા ભુખ્યા
