Ahmedabad News/ અમદાવાદ રથયાત્રા પહેલાં સુરક્ષા કડક, 200થી વધુ શંકાસ્પદોની પૂછપરછ

ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે રથયાત્રા (Rath Yatra)દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad)માં યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રા (Rath Yatra)ને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)માં યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રા (Rath Yatra)ને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે ક્રાઈમ બ્રાન્ચે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.

ક્રાઈમ બ્રાન્ચે ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અથવા કોમી વૈમનસ્ય ધરાવતા 200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. રથયાત્રા (Rath Yatra)ના સમગ્ર રૂટ પર આવેલા ધાબાઓ પર ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવી હતી.

5 આરોપીઓની ધરપકડ, 9 ગેરકાયદે હથિયારો જપ્ત

ગેરકાયદે હથિયારો (Illegal Weapons)ની હેરાફેરી રોકવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ 9 ગેરકાયદે હથિયારો કબજે કરવામાં આવ્યા છે.

સારંગપુર નવા બની રહેલા બ્રિજ નીચે મળેલી બાતમીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચાર પિસ્ટલ, બે કારતૂસ, એક મેગેઝિન અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશથી લાવવામાં આવતા હતા હથિયારો

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાંથી ગેરકાયદે પિસ્ટલ અને કારતૂસ લાવી અમદાવાદમાં વેચાણ માટે આવ્યા હતા. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એક આરોપી ઉત્તર પ્રદેશમાં વોન્ટેડ

પકડાયેલા આરોપીઓમાંનો મુખ્ય આરોપી રોહિત જાદૌન ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે. તેના વિરુદ્ધ લૂંટ, મારામારી, ધમકી અને અન્ય ગંભીર ગુનાઓ સહિત અનેક કેસ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

રથયાત્રા માટે સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે રથયાત્રા (Rath Yatra)દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે. શહેરમાં ડ્રોન સર્વેલન્સ, કોમ્બિંગ ઓપરેશન અને ગુનાહિત તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો : જગન્નાથ રથયાત્રામાં ગુજરાત સરકાર આ રીતે કરશે સુરક્ષાનું આયોજન

આ પણ વાંચો : ભગવાન જગન્નાથ રથયાત્રાની સુરક્ષાને પગલે શહેર ક્રાઈમબ્રાંચની ફૂટમાર્ચ

આ પણ વાંચો : આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, સરસપુર ખાતે અભેદ સુરક્ષા વ્યવસ્થા, ડ્રોન, CCTV, બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ, ગતિવિધિઓ પર ડિજિટલ માધ્યમથી બાજ