Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. 7થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં ઉજવાનારા વિકાસ સપ્તાહ અન્વયે અમદાવાદમાં યોજાયેલા વિકાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળીને વિકાસની રાજનિતિનો નવો અધ્યાય શરૂ કર્યો હતો.
તેમના નેતૃત્વમાં ઓક્ટોબર 2001થી શરૂ થયેલી રાજ્યની વણથંભી વિકાસયાત્રા સુશાસનના ૨૫માં વર્ષમાં પ્રવેશી છે. આપણે વડાપ્રધાનની વિઝનરી લિડરશીપમાં હવે આઝાદીની શતાબ્દી અને વિકસિત ભારત 2047 તરફની અવિરત કૂચ જારી રાખવી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જી.એસ.ટી.માં પરિવર્તન કારી સુધારાઓથી દેશના સામાન્ય માનવીને મોટો લાભ કરાવ્યો છે. એટલુ જ નહિ, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જન જનને વિકાસમાં જોડ્યા છે તેનો આભાર વ્યક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, સમાજના વિવિધ વર્ગો અને ગુજરાતની સહકારી સંસ્થાઓ, બેંકો, દુધ મંડળીઓ સહિતના સહકારી સંગઠનો વગેરે દ્વારા 1કરોડ 11 લાખ 75હજાર પોસ્ટકાર્ડ ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ અંતર્ગત વડાપ્રધાનને લખવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યુ કે, નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટેના અથાક પ્રયત્નો આપણને નવી દિશા આપતા રહે તે માટે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિકાસ સપ્તાહ સાથે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષનો પણ સુયોગ થયો છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીને સાકાર કરવા વિકાસ સપ્તાહ અંતર્ગત આ વર્ષે આપણે સ્વદેશી તથા વોકલ ફોર લોકલને વધુને વધુ પ્રોત્સાહન આપવું છે.ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ “ગ્યાન”ના ચાર મુખ્ય પિલ્લર સહિત સમાજની વ્યાપક સહભાગીદારીથી આ વિકાસ સપ્તાહને આપણે વિકાસની નવી દિશા આપવાની નેમ રાખી છે.
તેમણે કહ્યુ કે, સ્વતંત્રતા મેળવવા માટે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં સ્વદેશી ચળવળને વેગવાન બનાવવામાં આવી હતી. હવે વડાપ્રધાનના દિશાદર્શનમાં સમૃદ્ધ ભારત માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ તરફ આપણે જવુ છે.આ માટે આપણા દેશના યુવકો અને કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને તથા સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર વિશેષ ભાર આપીને આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવીશું તેમ તેમણે ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે દેશને આઝાદી અપાવવા માટે ઓછી માળખાગત સુવિધાઓ વચ્ચે મહાત્મા ગાંધીએ સ્વદેશીની ચળવળ શરૂ કરી હતી. ત્યારે આજે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ગતિ કરી રહેલા ભારતને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીનો મંત્ર આપ્યો છે. દેશની વ્યાપારી ખાધ ઘટાડીને દેશને આર્થિક સમૃદ્ધિ અપાવવાનો આ રાજમાર્ગ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુમાં, મંત્રીએ કહ્યું કે દેશને ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવા વડાપ્રધાનએ અનેક નવતર પહેલ સૂચવી છે. આજથી ૨૪ વર્ષ પહેલાં શરૂ થયેલી એ વિકાસયાત્રાના ફળ સ્વરૂપ આજે આપણે આ વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છીએ. જેમાં રાજ્યના ખેડૂતો, પશુપાલકો, યુવાનો સૌ કોઈ જોડાયા છે. વડાપ્રધાનને ઉદ્દેશીને લખેલો આ દરેક પોસ્ટ કાર્ડને પત્ર નહીં, પણ દિલની વાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ત્યારે આજના આ પ્રસંગને મંજિલ નહીં, પરંતુ માત્ર પડાવ ગણીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી અપનાવીને સૌ કોઈને ફાળો આપવા શ્રી પટેલે અપીલ કરી હતી.આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સૌને વાલ્મીકિ જયંતીની શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે આજથી ૨૪ વર્ષ પહેલાં ૭મી ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌ પ્રથમવાર શપથ લઈ સેવા, સમર્પણ અને જનવિશ્વાસની સાથે સુશાસનની યાત્રા શરૂ કરી હતી.
વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું કે આજના ડિજિટલ યુગમાં સમગ્ર ગુજરાતે અને ખાસ કરીને સહકાર ક્ષેત્રના અનેક નાગરિકો-પરિવારોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી GST રિફોર્મ્સ, આત્મનિર્ભર ભારત, સ્વદેશી અભિયાન મુદ્દે આભાર વ્યક્ત કરવાનું આ અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેમાં રાજ્યનાં ૧૨ હજાર ગામડાંની ૨૬ હજાર મંડળીના સભાસદો, 5.50 લાખ જેટલા કૉલેજના યુવાનો અને 1.25 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પણ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે ઉમેર્યું કે દેશના 140કરોડ ભારતીયો જો સ્વદેશીનું એક ડગલું માંડે તોપણ દેશને વિકસિત રાષ્ટ્ર બનતાં કોઈ રોકી શકે તેમ નથી. ત્યારે આગામી તહેવારોમાં સૌ નાગરિકોને સ્વદેશી ખરીદીને પ્રાધાન્ય આપી, આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
સહકાર વિભાગના સચિવશ્રી સંદીપ કુમારે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા.કાર્યક્રમમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા અંતર્ગત ‘હર ઘર સ્વદેશી’ મુહિમમાં યોગદાન આપવા અને સ્વદેશી અપનાવવા સૌએ શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દૂધ સંઘો અને ડીસીસીબીને મળેલ પોસ્ટકાર્ડ, અમુલ ફેડ ખાતે મળેલ પોસ્ટકાર્ડ, જીએસસી બેંક ખાતે મળેલ પોસ્ટકાર્ડ અને પ્રેસથી ડિસ્પેચ થયેલ પોસ્ટકાર્ડ મળીને કુલ 75લાખથી પણ વધુ આભાર પોસ્ટ કાર્ડ રાજ્યના ખેડૂતો અને નાગરિકોએ વડાપ્રધાનને લખ્યા છે. આ કાર્યવાહીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં તથા લીમકા બુક ઓફ રેકોર્ડ અને અન્યમાં વિશ્વવિક્રમ તરીકે સમાવવા માટે એપ્લિકેશન કરવામાં આવી છે. આ પ્રસંગે આ મુહિમ આધારિત ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમમાં શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદના સાંસદઓ, ધારાસભ્યઓ, જીએસસી બેંકના ચેરમેનશ્રી અજય પટેલ, જીસીએમએમએફના ચેરમેન અશોક ચૌધરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને હોદ્દેદારો, ચીફ પોસ્ટ માસ્તર જનરલ ગણેશ સાવડેકર, સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તથા ડિરેક્ટરઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનઓ તથા ડિરેક્ટરઓ, સામાજિક અને રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Gandhinagar News/નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…
આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો
આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસના શિર્ષ નેતૃત્વને દિલ્હીનું તેડું, નેતા શૈલેષ પરમારને પણ બોલાવાયા
