Surat News: સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ (Shalini Agarwal)ને તાત્કાલિક જવાબદારી સોંપવામાં આવી છે.
સરકારે શાલિની અગ્રવાલને સત્વરે સુરતમાં પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાવા સૂચના આપી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નર તરીકે સેવા આપી ચૂકેલા શાલિની અગ્રવાલ શહેરની ભૌગોલિક સ્થિતિ, ડ્રેનેજ વ્યવસ્થા અને વહીવટી તંત્રથી સારી રીતે પરિચિત હોવાથી તેમની કામગીરી હાલની પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભારે વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં શાલિની અગ્રવાલની નિમણૂકને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
