Ahmedabad News : અમદાબાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ(Ministry OF Finance) અને NPCIના અધિકારી બની લોકોને ઠગતી(Cheating) સાઇબર ગેંગના બે સભ્યોને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ અને ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, આરોપીઓએ અલગ-અલગ મોબાઇલ નંબરોથી પોતાને NPCI, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, આઈટી ઓફિસર અને વકીલ તરીકે ઓળખાવી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. તેમણે જણાવ્યું કે ફરિયાદીના નામે LIC પોલિસીના રૂ.10 લાખ સરકારના ખાતામાં જમા છે અને તે પરત મેળવવા માટે ટેક્સ, સ્ટેમ્પ ડ્યૂટી અને અન્ય ફીના નામે રકમ ચૂકવવી પડશે. ત્યારબાદ વધુ લોભ આપતા કહ્યું કે કુલ રૂ.1.48 કરોડની રકમ મળશે, જેને કારણે ફરિયાદી સતત પૈસા ચૂકવતા રહ્યા.
ફરિયાદી પાસેથી કુલ રૂ.47.35 લાખથી વધુની છેતરપીંડી (Cheating)કરવામાં આવી
આરોપીઓએ ફરિયાદીના નામે ICICI અને HDFC બેંકમાં ખાતા ખોલાવડાવી, નવું સિમકાર્ડ લેવડાવી તેને દિલ્હી મોકલાવ્યું અને તે ખાતાઓનો દુરુપયોગ કર્યો. નકલી NPCI આઈકાર્ડ અને આધારકાર્ડ મોકલી વિશ્વાસ વધારવામાં આવ્યો. આખરે ફરિયાદી પાસેથી કુલ રૂ.47.35 લાખથી વધુની છેતરપીંડી (Cheating)કરવામાં આવી.
આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસ ટીમ ગાઝિયાબાદના મોડીનગર પહોંચી અને સુમિતકુમાર કોળી (ઉ.વ.32) અને આશુ અગ્રવાલ (ઉ.વ.27)ને ઝડપ્યા.
તપાસમાં ખુલ્યું કે સુમિતકુમાર કોલ સેન્ટરમાં કામ કરેલો હોવાને કારણે લોકો સાથે વાતચીત કરી વિશ્વાસ જીતવામાં નિષ્ણાત હતો અને વર્ક ફ્રોમ હોમથી ડેટા મેળવી લોકોને કોલ કરીને ફ્રોડ કરતો હતો. જ્યારે આશુ અગ્રવાલ ગેરકાયદેસર રીતે સિમકાર્ડ મેળવી અને કસ્ટમરોના આધારકાર્ડ પરથી વધારાના સિમ ઇસ્યુ કરી તેને બ્લેકમાં વેચતો હતો, જેનો ઉપયોગ સાયબર ઠગાઈ માટે થતો હતો.
સાયબર ક્રાઇમ બ્રાંચે જનતાને ચેતવણી આપી છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિ તરફથી મળતા લોભામણા ફોન કોલ અથવા મેસેજ પર વિશ્વાસ ન કરવો. કોઈપણ પ્રકારની ફી અથવા ટેક્સના નામે પૈસા માંગવામાં આવે તો સાવચેત રહેવું અને સાયબર ફ્રોડ થાય તો તરત જ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો. તેમજ સિમકાર્ડ લેતી વખતે એક જ વખત બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું અને વિશ્વસનીય ડિસ્ટ્રિબ્યુટર પાસેથી જ સિમકાર્ડ ખરીદવું.
