જહાંગીરપુરી હિંસા કેસમાં, બે આરોપીઓ અંસાર અને અસલમને કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપવાનો નિર્દેશ આપ્યો છે જ્યારે અન્ય 12 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસનો આરોપ છે કે આ રમખાણોના મુખ્ય કાવતરાખોરો અંસાર અને અસલમ છે. આ દરમિયાન આરોપી અંસાર કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જતી વખતે બેશરમતા દાખવી હતી.
જ્યારે આ આરોપીઓને રોહિણી કોર્ટમાં પ્રોડક્શન માટે લઈ જવામાં આવી રહ્યા હતા. કોર્ટ સંકુલના પ્રવેશદ્વાર પર મીડિયાને જોઈને આરોપી અંસારે બેશરમીની તમામ હદ વટાવી દીધી હતી. ગેટ પર મીડિયાકર્મીઓને જોઈને અંસારે ફિલ્મી સ્ટાઈલમાં ‘પુષ્પા’નું એક્શન કર્યું. એટલું જ નહીં, આરોપી સતત હસતો રહ્યો. તેના ચહેરા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તેને પોલીસ કાર્યવાહીનો કોઈ ડર નથી.
જાણવા મળ્યું છે કે પોલીસે અત્યાર સુધીમાં 20 લોકોને કસ્ટડીમાં લીધા છે. જેમાં બે કિશોરોનો પણ સમાવેશ થાય છે. પોલીસનું એમ પણ કહેવું છે કે કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં બંને સમુદાયના લોકો સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીઓ પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ તલવાર મળી આવી છે. જ્યારે વધુ તપાસ ચાલુ છે. નોંધનીય છે કે આ કેસની તપાસ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
