Maharashtra News/ સુપ્રિયા સુલેના સૂર બદલાયા? સીમાંકન બિલ પર નરમ વલણ

સુપ્રિયા સુલેના (Supriya Sule)નિવેદન, પાર્ટીની બેઠક અને NDAમાં જોડાવાની અટકળોએ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે

India
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP (SP) NDAમાં સામેલ થઈ શકે છે તેવી અટકળો વચ્ચે સાંસદ સુપ્રિયા સુલેના (Supriya Sule)એક નિવેદને રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો છે

Maharashtra News : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરની ચર્ચા શરૂ થઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP (SP) NDAમાં સામેલ થઈ શકે છે તેવી અટકળો વચ્ચે સાંસદ સુપ્રિયા સુલેના (Supriya Sule)એક નિવેદને રાજકીય ચર્ચાને વધુ વેગ આપ્યો છે. અત્યાર સુધી સીમાંકન બિલના (Delimitation Bill)મુદ્દે વિરોધી વલણની ચર્ચા વચ્ચે હવે સુપ્રિયા સુલેએ બિલનો સીધો વિરોધ કરવાને બદલે તેમાં સકારાત્મક બાબતો હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

બુધવારે સીમાંકન બિલ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સુપ્રિયા સુલેએ (Supriya Sule)કહ્યું હતું કે, પહેલાં બિલ સામે આવવા દો અને તેની સમીક્ષા કરીએ. તેમાં કંઈક સારું પણ હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ બિલ જનહિતમાં પણ હોઈ શકે છે. તેમના આ નિવેદનને NCP (SP)ના રાજકીય વલણમાં સંભવિત બદલાવ તરીકે જોવામાં આવી રહ્યું છે.

સીમાંકન બિલ પર સુપ્રિયા સુલેનું નવું વલણ

સુપ્રિયા સુલેએ સીમાંકન બિલ (Delimitation Bill)અંગે વાત કરતાં કહ્યું કે કોઈપણ નિર્ણય લેતાં પહેલાં બિલની જોગવાઈઓ સમજવી જરૂરી છે. જો તેમાં દેશ અને જનતાના હિતમાં કોઈ સારી બાબત હશે તો તેના પર વિચાર કરી શકાય છે.

તેમણે પહેલગામ આતંકી હુમલા બાદ તમામ રાજકીય પક્ષોએ એકતા દર્શાવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુલેએ કહ્યું કે શરદ પવાર આ હુમલા બાદ એકતા વ્યક્ત કરનારા પ્રથમ નેતાઓમાં સામેલ હતા. ત્યારબાદ કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના સાંસદોએ પણ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો.

GSTનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે અગાઉ પણ તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને મહત્વપૂર્ણ નિર્ણયોને સમર્થન આપ્યું છે. જો સીમાંકન બિલમાં કંઈક સકારાત્મક હશે તો તેના પર પણ તમામ પક્ષો સાથે મળીને વિચાર કરી શકે છે.

NCP (SP)માં બેઠક, NDAમાં જોડાવાની અટકળો તેજ

બીજી તરફ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)માં આંતરિક રાજકીય હલચલની ચર્ચા વચ્ચે સુપ્રિયા સુલેએ (Supriya Sule) ગુરુવારે પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે પાર્ટીના NDAમાં સામેલ થવાની અટકળો સતત વધી રહી છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો શરદ પવાર (Sharad Pawar)2019ની લોકસભા ચૂંટણી દરમિયાન NDAમાં જોડાયા હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને રાષ્ટ્રપતિ બનાવી શક્યા હોત.

આઠવલેએ એવો પણ દાવો કર્યો હતો કે 2019માં વડાપ્રધાન મોદીએ શરદ પવારને કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે NDAમાં જોડાવા માટે વારંવાર વિનંતી કરી હતી. જોકે, તે સમયે આ રાજકીય સમીકરણ સાકાર થયું નહોતું.

સંજય રાઉતે NDAમાં જોડાવાની ચર્ચા પર શું કહ્યું?

NCP (SP)ના NDAમાં જોડાવાની અટકળો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut)પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે શરદ પવાર સાથે ઘણી વખત વાતચીત થઈ છે.

સંજય રાઉતે કહ્યું કે શરદ પવારે (Sharad Pawar)આખું જીવન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓની રાજનીતિ સામે લડવામાં વિતાવ્યું છે. તેમણે મહાત્મા જ્યોતિબા ફુલે, રાજર્ષિ શાહુ મહારાજ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને મહારાષ્ટ્રમાં ફેલાવવાનું કામ કર્યું છે.રાઉતે વધુમાં કહ્યું કે શરદ પવારે આ વિચારધારાઓના પ્રચાર માટે જીવન સમર્પિત કર્યું છે. તેથી તેમને નથી લાગતું કે પવાર NDA સાથે જોડાશે.

હાલમાં સુપ્રિયા સુલેના નિવેદન, પાર્ટીની બેઠક અને NDAમાં જોડાવાની અટકળોએ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. જોકે, NCP (SP) તરફથી NDAમાં જોડાવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


આ પણ વાંચો: સીમાંકન બિલ માટે NDA પાસે 45 સાંસદ ઓછા? સંજય રાઉતનો ₹150 કરોડની ઓફરનો દાવો

આ પણ વાંચો: આજથી સંસદનું ચોમાસુ સત્ર: સીમાંકન બિલ પર DMKના સમર્થનના સંકેત; પાંચ મહત્વના બિલ આવની પણ શક્યાતા

આ પણ વાંચો: સંસદ ખાસ સત્ર 2026માં મોદી સરકારના 3 મોટા બિલ,મહિલા અનામત, સીમાંકન અને લોકસભા સીટ વધારો પર ગરમ ચર્ચા