Entertainment: ‘પોર્ન રેકેટ’ બાદ શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા ફરીવાર ચર્ચાએ ચઢ્યાં છે. મુંબઈના એક બિઝનેસમેને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પર 60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના લોન-કમ-રોકાણ સોદામાં ₹ 60.48 કરોડની છેતરપિંડીના ગુનાનો આરોપ લાગ્યો છે. હાલ સેલેબ્સ કપલ વિરુદ્ધ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદી બિઝનેસમેન દીપક કોઠારી કહે છે કે 2015થી 2023ની વચ્ચે તેમણે વ્યવસાયને વિસ્તૃત કરવા માટે દંપતીને કુલ 60.48 કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ આ રકમ વ્યક્તિગત ખર્ચમાં ખર્ચવામાં આવી હતી.
₹60.48 કરોડની છેતરપિંડીના ગુનામાં સેલેબ્સ કપલ વિરુદ્ધ FIR
શિલ્પા કંપનીની 87% શેરહોલ્ડર હતી ફરિયાદી બિઝનેસમેનના જણાવ્યા મુજબ, તેઓ 2015માં એજન્ટ રાજેશ આર્ય દ્વારા શિલ્પા અને રાજ કુન્દ્રાને મળ્યા હતા. એ સમયે બંને બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતા અને શિલ્પા કંપનીના 87%થી વધુ શેરની માલિકી ધરાવતી હતી. એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દીપક શિલ્પા અને રાજ કુન્દ્રાની કંપનીને લોન આપશે. કંપની માટે ₹ 75 કરોડની લોન માગવામાં આવી હતી, જેના પર 12% વાર્ષિક વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું.
દીપક કોઠારીનો આરોપ છે કે પાછળથી શિલ્પા અને રાજ કુન્દ્રાએ તેમને કહ્યું કે લોન પર ટેક્સની સમસ્યા થઈ શકે છે, એટલે આપણે રોકાણ તરીકે બતાવીશું અને દર મહિને વળતર આપીશું.
₹31.95 કરોડ રૂપિયાની પહેલી ચુકવણી એપ્રિલ 2015માં કરવામાં આવી હતી એપ્રિલ 2015માં કોઠારીએ લગભગ 31.95 કરોડ રૂપિયાની પહેલી ચુકવણી કરી હતી. ટેક્સની સમસ્યા ચાલુ રહેતાં સપ્ટેમ્બરમાં બીજો સોદો થયો અને જુલાઈ 2015 અને માર્ચ 2016 વચ્ચે, તેમણે બીજા 28.54 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. કુલ મળીને તેમણે 60.48 કરોડ રૂપિયા ચૂકવ્યા. ઉપરાંત સ્ટેમ્પ ડ્યૂટી તરીકે 3.19 લાખ રૂપિયા ચૂકવ્યા. કોઠારીનો દાવો છે કે શિલ્પાએ એપ્રિલ 2016માં તેમને વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી, પરંતુ એ જ વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે કંપનીના ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપી દીધું.
આ પછી શિલ્પાની કંપની દ્વારા 1.28 કરોડ રૂપિયાની લોન ન ચૂકવવાનો કેસ પ્રકાશમાં આવ્યો. કોઠારીને આ વાતની કોઈ જાણકારી નહોતી. તેમણે ઘણી વખત પોતાના પૈસા પાછા માગ્યા, પરંતુ કોઈ જવાબ કે પૈસા મળ્યા નહીં.
પહેલા જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રકમ ₹10 કરોડથી વધુ હોવાથી તપાસ આર્થિક ગુના શાખા (EOW)ને સોંપવામાં આવી છે. EOW આ કેસની તપાસ કરી રહી છે.
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના વકીલ એડવોકેટ પ્રશાંત પાટીલે વાત કરતાં જણાવ્યું હતું કે
મારા કલાયન્ટને કેટલાક ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે તેમના વિરુદ્ધ આર્થિક ગુના શાખા (EOW), મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો છે. સૌપ્રથમ મારા કલાયન્ટ બધા આરોપોને નકારે છે. આ એક સંપૂર્ણપણે સિવિલ મામલો છે, જેનો NCLT મુંબઈ દ્વારા 4 ઓક્ટોબર 2024ના રોજ સમાધાન કરવામાં આવ્યું હતું.
પ્રશાંત પાટીલે કહ્યું
આ એક જૂનાં ટ્રાન્ઝેક્શન છે, જેમાં કંપની નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને પછીથી લાંબી કાનૂની પ્રક્રિયામાં ફસાઈ ગઈ. આમાં કોઈ ગુનો નથી. અમારા ઓડિટરોએ સમયાંતરે EOWને રોકડ પ્રવાહનાં નિવેદનો જેવા તમામ જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડ્યા છે.
પ્રશાંત પાટીલે એમ પણ કહ્યું હતું કે જે રોકાણ કરારની વાત કરવામાં આવી રહી છે એ સંપૂર્ણપણે ઇક્વિટી રોકાણના સ્વરૂપમાં હતું. કંપનીને પહેલાંથી જ લિક્વિડેશન ઓર્ડર મળી ચૂક્યો છે, જે પોલીસ વિભાગને પણ આપવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 15થી વધુ વખત પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને તમામ પુરાવા રજૂ કર્યા છે. આ કેસ સંપૂર્ણપણે પાયાવિહોણો અને દુર્ભાવનાપૂર્ણ છે, જેનો હેતુ અમારા કલાયન્ટની છબિ ખરાબ કરવાનો છે. અમે આ કેસમાં ગુનેગારો સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરી રહ્યા છીએ.
આ પણ વાંચો:અર્ચના પૂરણ સિંહે કપિલ શર્માના બાળપણ અને ગરીબી વિશે વાત કરતા કહ્યુ કે કપિલ ખૂબ ટેલેન્ટેડ છે!
આ પણ વાંચો:ઉર્વશી રૌતેલાએ પોતાને ટ્રોલ કરી, સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું થોડી ગરિમા રાખો!
આ પણ વાંચો:અનુપમામાં જોવા મળશે નવો ટ્વીસ્ટ, માતા અને પુત્રી વચ્ચે ફરી થશે ટક્કર!
