Ahmedabad News: અમદાવાદના SG હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન સ્કૃતિમ બિલ્ડિંગમાં યુવકનું મોત થતાં ચકચાર મચી છે. યુવક 32મા માળે ક્રેન પાસે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, મોડી રાતથી યુવક મૃત હાલતમાં ત્યાં જ હતો. સવારે 8 વાગ્યે આસપાસના લોકો સ્થળ પર પહોંચ્યા ત્યારે પણ યુવક લટકતો જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં તંત્ર અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ઊંચાઈ પર રહેલા મૃતદેહને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય પ્રીતમસિંહ તરીકે થઈ છે. પ્રીતમસિંહ છેલ્લા કેટલાક સમયથી આ સાઇટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો. સોલા પોલીસના PI કે.એન. ભૂકણેએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિના મૃતદેહ અંગેની જાણ મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
