લખીમપુર ખેરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાના જામીન સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા છે. કોર્ટે આશિષને 1 સપ્તાહમાં સરેન્ડર કરવા કહ્યું છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટે જામીનનો આદેશ આપતી વખતે પીડિત પક્ષને સાંભળ્યો ન હતો. તમામ હકીકતોને ધ્યાનમાં લીધા વિના આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલે ફરી સુનાવણી કરવા જણાવ્યું છે.
શું બાબત છે?
ગયા વર્ષે 3 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં આંદોલનકારી ખેડૂતો પર ગાડી ચઢાવવાની ઘટના બની હતી. આ ઘટનામાં અને તે બાદ ઉશ્કેરાયેલા ખેડૂતો દ્વારા આરોપીઓની મારપીટમાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપીઓ આશિષ મિશ્રા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર મોનુ છે. 10 ફેબ્રુઆરીએ અલ્હાબાદ હાઈકોર્ટે આશિષને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
પીડિતો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા
આ ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતના પરિવારે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે મામલાની ગંભીરતા જોયા વગર જ જામીન આપવાનો આદેશ કર્યો હતો. દવેએ એમ પણ કહ્યું કે આશિષ જેલમાંથી બહાર આવ્યા બાદ સાક્ષી પર હુમલો થયો હતો.
સુનાવણી પહેલા આ મામલાની તપાસ કરી રહેલી SITએ રિપોર્ટ દાખલ કર્યો હતો. એસઆઈટીએ જણાવ્યું કે તેણે આશિષના જામીન બાદ યુપી સરકારને બે પત્ર લખ્યા હતા. તેમણે સલાહ આપી હતી કે રાજ્ય સરકારે આશિષના જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવો જોઈએ. SITએ એ પણ જણાવ્યું કે આશિષ ઘટનાસ્થળે હાજર હોવાના અને ઘટનામાં સામેલ હોવાના પુરાવા છે.
સુનાવણી દરમિયાન આશિષ મિશ્રા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રણજીત કુમારે કહ્યું હતું કે તેઓ ઘટનાસ્થળે હાજર નહોતા. અરજી કરતી વખતે તેણે એમ પણ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ આશિષના જામીન રદ કરે છે તો કોઈ કોર્ટ તેને જામીન નહીં આપે. આ રીતે તે ટ્રાયલના અંત સુધી જેલમાં રહેશે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને હિમા કોહલીની બેન્ચના આદેશ બાદ પીડિત પક્ષના એડવોકેટ દુષ્યંત દવેએ જજોને સંબોધ્યા હતા. તેમણે નિર્ણય બદલ કોર્ટનો આભાર માન્યો હતો. દવેએ કહ્યું હતું કે આ મામલો હવે હાઈકોર્ટમાં અન્ય બેંચમાં ઉઠાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે આદેશ આપવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે આવો આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ન્યાયાધીશોએ કહ્યું કે સુનાવણી માટે બેંચનો નિર્ણય કરવો એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના અધિકારક્ષેત્રમાં આવે છે.
આ પણ વાંચો: કોરોના ઈફેક્ટ/ અમદાવાદમાં એક કલાકમાં 200 લોકો માગી રહ્યા છે પાસપોર્ટ
