Lifestyle News/ વાત-વાતમાં બ્લડ ટેસ્ટ કરાવવાની આદત છે? જાણો બિનજરૂરી રક્ત પરીક્ષણથી થતા નુકસાન!

વાત-વાતમાં વારંવાર બ્લડ ટેસ્ટ (blood test)કરાવવાની આદત શરીર અને ખિસ્સા બંને માટે નુકસાનકારક બની શકે છે. જાણો બિનજરૂરી રક્ત પરીક્ષણના ગેરફાયદા, તબીબી નિષ્ણાતોનો અભિપ્રાય અને રૂટીન ચેકઅપનો સાચો સમય.

Lifestyle
Side effects of frequent blood tests

આજના સમયમાં થોડોક થાક અનુભવાય એટલે વિટામિન B12, વજનમાં વધારો થાય તો થાઇરોઇડ, કે પછી ફિટ રહેવા માટે માર્કેટમાં મળતા ફેન્સી ‘ફુલ બોડી હેલ્થ પેકેજ’ લઈને ડઝનેક બ્લડ ટેસ્ટ (blood test)કરાવી લેવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ શું દરેક નાની-મોટી શારીરિક અસ્વસ્થતામાં બ્લડ ટેસ્ટ કરાવવો ખરેખર વ્યાજબી છે? તબીબી નિષ્ણાતો અને હેલ્થ એક્સપર્ટ્સના મતે, વગર વિચાર્યે અને વારંવાર કરાવવામાં આવતા લોહીના પરીક્ષણો ફાયદો કરાવવાને બદલે શરીર તેમજ ખિસ્સા બંને પર ભારે પડી શકે છે.

બોર્ડરલાઇન રિપોર્ટ અને માનસિક ચિંતાનું વર્તુળ

કોઈપણ લેબોરેટરી રિપોર્ટમાં કોઈ એક ઘટકની વેલ્યૂ Normal Range કરતાં થોડી ઉપર કે નીચે આવે તે એકદમ સામાન્ય બાબત છે. તેનાથી તાત્કાલિક ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી હોતી, કારણ કે દરેક નાનો તફાવત કોઈ ગંભીર રોગની નિશાની નથી હોતો. છતાં લોકો પેનિકમાં આવીને બિનજરૂરી ડોક્ટર વિઝિટ, નવા ટેસ્ટ અને બિનજરૂરી દવાઓની ઝંઝટમાં પડી જાય છે. નિષ્ણાતો જણાવે છે કે, કોઈપણ બ્લડ ટેસ્ટ વ્યક્તિના પ્રત્યક્ષ લક્ષણો, ભૂતકાળની મેડિકલ હિસ્ટ્રી અને રિસ્ક ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને જ થવો જોઈએ. તબીબની સ્પષ્ટ સલાહ વગર જાતે જ વારંવાર ટેસ્ટ કરાવવાથી દૂર રહેવું જોઈએ.

સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને લેવાતા બિનજરૂરી ટેસ્ટ

આજના સમયમાં લોકો ઘણીવાર સોશિયલ મીડિયા પરથી અધૂરી માહિતી મેળવીને ડોક્ટરની સલાહ વિના જ અનેક ટેસ્ટ કરાવતા હોય છે. જેમાં મુખ્યત્વે વિટામિન D, વિટામિન B12, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ, HbA1c (ડાયાબિટીસ તપાસ), કોલેસ્ટ્રોલ / લિપિડ પ્રોફાઇલ અને કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC) નો સમાવેશ થાય છે. જો તમને અગાઉથી કોઈ ગંભીર બીમારી ન હોય, દવાની માત્રામાં ફેરફાર ન થયો હોય કે શરીરમાં નવાં લક્ષણો ન જણાતા હોય, તો આ ટેસ્ટનું વારંવાર પુનરાવર્તન કરવાથી કોઈ ખાસ લાભ મળતો નથી.

વારંવાર બ્લડ ટેસ્ટ કરાવવાના આડઅસરો અને જોખમો

અતિશય રક્ત પરીક્ષણ કરાવવાથી સોય વાગવાની જગ્યાએ સોજો, કાળા-વાદળી ડાઘ (ઉઝરડા) કે નસોમાં બળતરા થઈ શકે છે. વારંવાર લોહી સેમ્પલ આપવાને કારણે, ખાસ કરીને મહિલાઓમાં એનિમિયા (લોહીની ટકાવારી ઓછી થવી) નું રિસ્ક વધી જાય છે. આ સિવાય, રિપોર્ટના નાના-મોટા આંકડા જોઈને બિનજરૂરી માનસિક તણાવ ઉત્પન્ન થાય છે અને નાણાકીય વ્યય પણ થાય છે.

સ્વસ્થ વ્યક્તિ માટે કેટલા અને ક્યારે ટેસ્ટ જરૂરી?

તબીબી નિષ્ણાતોના અનુસાર, જો કોઈ પુખ્ત વયની વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોય અને તેને કોઈ તકલીફના લક્ષણો ન હોય, તો દર ૧ થી ૩ વર્ષમાં એકવાર રૂટીન હેલ્થ ચેકઅપ પૂરતું માનવામાં આવે છે. જેમાં CBC, બ્લડ શુગર, લિપિડ પ્રોફાઇલ, કિડની અને જરૂરિયાત મુજબ લીવર કે થાઇરોઇડ ટેસ્ટનો સમાવેશ થાય છે. રક્ત પરીક્ષણ સિવાય બ્લડ પ્રેશર (BP), શરીરનું વજન અને હેલ્ધી લાઈફસ્ટાઈલનું સમયાંતરે મૂલ્યાંકન કરવું પણ એટલું જ અનિવાર્ય છે. ઉત્તમ સ્વાસ્થ્ય માટે વધુમાં વધુ ટેસ્ટ કરાવવા જરૂરી નથી, પરંતુ યોગ્ય સમયે અને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ સાચો ટેસ્ટ કરાવવો હિતાવહ છે.


આ પણ વાંચો :કલાકો સુધી ખુરશી પર બેસી રહેતા લોકો માટે સંજીવની: માત્ર 2 મિનિટનું આ યોગાસન કમરનો દુખાવો અને સ્ટ્રેસ કરશે ગાયબ!

આ પણ વાંચો :ચોમાસામાં મચ્છર-માખીઓથી મુક્તિ મેળવવા અપનાવો આ સરળ ટિપ્સ, બીમારીઓ રહેશે દૂર

આ પણ વાંચો :ભારતમાં 78% યુગલો અપનાવી રહ્યા છે ‘સ્લીપ ડિવોર્સ’, જાણો શા માટે અલગ રૂમમાં સૂવાનું પસંદ કરે છે દંપતી!