Mahesana News : મહેસાણા જિલ્લાને હચમચાવી મુકનાર ડબ્બા ટ્રેડિંગ મામલે ગૃહ વિભાગના નિર્દેશ બાદ ગાંધીનગર રેન્જ આઈ જી દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી છે.મહેસાણા જિલ્લામાં વડનગર,ખેરાલુ,સતલાસણા ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર છે.છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશ,હરિયાણા,રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યના શેર બજારના રોકાણકારોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ થઈ હોવાના આ કૌભાંડમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.એસ આઈ ટી એ આ મામલે છેલ્લા 10 દિવસમાં 45 આરોપીને દબોચી લીધા છે.શુ છે આખું આ રેકેટ જુઓ અમારા આ ખાસ રિપોર્ટમાં

વડનગર,વિસનગર,ખેરાલુમાં અને સતલાસણા તાલુકામાં બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી ઠગાઈ આચરવાનું આ કૌભાંડ કોઈ ફિલ્મી કહાનીની કમ નથી.બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી ખુલ્લા ખેતરોમાં ચાલતા કોલ સેન્ટરો દ્વારા ઠગાઈનો આંક 100 કરોડ કરતા પણ વધુ હોવાનો પણ પોલીસ દ્વારા અંદાજ મુકવામાં આવ્યો છે.શેર બજારમાં રોકાણકારોનું લિસ્ટ મેળવી કોઈ પ્રોફેશનલ એડવાઇઝ આપે તે રીતે વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયા સેરવી લેવાના આ કૌભાંડમાં નીત નવા ખુલાસા હવે થઈ રહ્યા છે.ગઠિયાઓએ ગામડાના ગરીબ લોકોને 2000 રૂપિયા આપવાની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવી લઈ 42 જેટલા એકાઉન્ટ ખોલી 27 કરોડ રૂપિયાનું ટ્રાન્સજેક્શન થયું હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ તમામ એકાઉન્ટ મહેસાણા જિલ્લાની બેંકોમાં ખોલવામાં આવ્યા હોવાનું અને ગઠિયાઓએ રોકડ રકમ ઉપાડી લીધી હોવાનો પણ ખુલાસો થયો છે.તો હજુ પણ 9 કેસની તપાસ બાકી છે.જેમાં ઠગાઈનો આંક 100 કરોડને વટાવી જાય તેવી શક્યતા છે.
વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા ચાર તાલુકાઓમાં શેરબજારના નામે લોકોને ટિપ્સ આપી ખાનગી મકાન, ખેતર અને કારમાં બેસી મેળવેલ કોન્ટેક્ટ લિસ્ટના સંપર્કો કરી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. વધુ રૂપિયા રળવાની લાલચ આપીને નાણાં રોકાવી કોઈપણ જાતના લાયસન્સ વિના શિક્ષિત અને અભણ લોકો દ્વારા ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવી રહ્યું છે. માત્ર ફોન કરીને કરોડો રૂપિયા ખાતામાં જમા થયા બાદ તે ઉપાડી લઈ છેતરપિંડી કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં એચડીએફસી, એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા, એક્સિસ બેન્ક, બંધન બેન્ક સહિતની બેંકોમાં ખોલવામાં આવેલા 42 જેટલા ખાતાઓમાં 27 કરોડ રૂપિયા લોકોના ટ્રાન્સફર થયા છે. આગામી દિવસોમાં જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તે તમામ બેંકોના અધિકારી અને કર્મચારીઓની પૂછપરછ થશે અને જરૂર જણાશે તો ટીમ દ્વારા તેમની ધરપકડ પણ કરાશે.

પોતાના જ ખાતામાંથી રૂ.50 હજાર કે એક લાખની રકમ લઈને ચેકથી ઉપાડવી હોય તો પણ બેંકો દ્વારા ગ્રાહકો પાસે પાનકાર્ડની માંગણી કરવામાં આવે છે. જ્યારે જે ખાતાઓમાં લાખો રૂપિયાની રકમ જમા થઇ હતી અને તે તમામ રૂપિયા ચેકથી કે એટીએમથી જે-તે વ્યક્તિઓ દ્વારા જાતે જ ઉપાડી લેવામાં આવ્યા છે. છતાં બેંકો દ્વારા કોઇ શંકા નહીં જતાં બેંકોની કામગીરી જ પોલીસની નજરમાં શંકાના ઘેરાવામાં આવી છે.વડનગર સહિતના તાલુકામાંથી આ બદીને દૂર કરવા પોલીસે ઘોંસ વધારી છે. ડબ્બા ટ્રેડિંગ ચલાવતા કિંગમેકર અને હેન્ડલરો મહેસાણા જિલ્લો છોડીને રાજસ્થાનના માઉન્ટ આબુ અને ડબ્બા ટ્રેડિંગથી અજાણ રાજ્યના અન્ય જિલ્લાઓમાં સેફ ઝોનમાં બેસીને નેટવર્ક ચલાવી રહ્યા હોવાનો પણ ખુલાસો પોલીસે કર્યો છે.જો કે હજુ સુધી આ રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી નથી પહોંચી શકાયું.થોડા સમય પહેલા આ રેકેટમાં હરિયાણા પોલીસે વિસનગર નગરપાલિકાના ઉપ પ્રમુખની ધરપકડ કરી હતી
આ પણ વાંચો: સુરત લાંચ કાંડમાં કોર્પોરેટરની જામીન અરજી ફગાવાઈ
આ પણ વાંચો: સુરતના ભૂતપૂર્વ મેયરનો પક્ષની જ મહિલા કોર્પોરેટર પર લાંચનો આરોપ
આ પણ વાંચો: સુરત/ લાંચ લેતા ઝડપાયો કોર્પોરેટર, ACBના છટકામાં પકડાયો
