હાઈરાઈઝ બિલ્ડીંગ/ ગુજરાતમાં ગગનચુંબી ઇમારતો, રાજ્ય સરકારે વધુ 7 પ્રોજેક્ટને આપી મંજૂરી

રાજ્યમાં કુલ 23 હાઈરાઈઝ બિલ્ડીંગ બનશે. રાજ્ય સરકારે બાંધકામના નિયમોમાં ફેરફાર કરીને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા મંજૂરી આપી છે.

Top Stories Gujarat
Capture 6 ગુજરાતમાં ગગનચુંબી ઇમારતો, રાજ્ય સરકારે વધુ 7 પ્રોજેક્ટને આપી મંજૂરી

ગુજરાત એક્સપ્રેસ ગતિએ વિકાસ કરી રહ્યું છે. રાજ્ય વિકસિત થવા સાથે વિસ્તારની દ્રષ્ટિએ પણ વિસ્તૃત થઈ રહ્યું છે. નાગરિકોને વધુ સુવિધા આપવા વિસ્તારની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકારે હાઈરાઈઝ બિલ્ડીંગોને મંજૂરી આપી છે. અત્યાર સુધી રાજ્ય સરકારે 15 હાઈરાઈઝ બિલ્ડીંગ પ્રોજેકટ મંજૂર કર્યા હતા. હવે આ જ ક્રમમાં વધુ 7 પ્રોજેક્ટ મંજૂર કરતા આગામી સમયમાં બનવા જઈ રહેલ ગગનચુંબી ઈમારતોની સંખ્યા 23 થઈ ગઈ છે. આ 7 પ્રોજેક્ટ પૈકી પાંચ હાઈરાઈઝ ઇમારતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બનશે. જ્યારે એક ઔડા વિસ્તારમાં અને એક ગાંધીનગર વિસ્તારમાં તૈયાર થશે.

રાજ્યમાં કુલ 23 હાઈરાઈઝ બિલ્ડીંગ બનશે. રાજ્ય સરકારે બાંધકામના નિયમોમાં ફેરફાર કરીને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા મંજૂરી આપી છે. જેમાંથી સૌથી વધુ ગગનચુંબી ઇમારતો અમદાવાદમાં બનશે. તેમજ સુરત, ગાંધીનગર અને વડોદરામાં પણ ગગનચુંબી ઈમારતો જોવા મળશે. અમદાવાદ શહેરમાં 18, જ્યારે શહેરના ઔડા વિસ્તારના 2, સુરત, ગાંધીનગર, વડોદરમાં એક-એક હાઈરાઈઝ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. 18 ઓગસ્ટ-2020ના રોજ રાજ્ય સરકારે 100 મીટરથી ઊંચા બિલ્ડીંગ્સ બાંધવા જાહેરનામા દ્વારા નીતિ બહાર પાડ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 22 બિલ્ડીંગ્સને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં 30થી 34 માળની 11 બિલ્ડિંગો બનાવવાનું કામ ચાલુ છે.

અમદાવાદમાં દુબઇના બુર્ઝ ખલિફા ઇમારતની જેમ 7 હાઈ રાઈઝ બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેમાંથી એક કે બે પ્રોજેક્ટને મંજૂરી પણ મળી ગઈ છે. આ પ્રોજેક્ટમાં 4000 કરોડથી વધુનું રોકાણ થવાની સંભાવના છે. શહેરના એસજી હાઈવે પરના રાજપથ ક્લબ પાસે રાજ્યની સૌથી ઊંચી 41 માળની ટાઇટેનિયમ વર્લ્ડ નામની બિલ્ડિંગ બનશે. ઉપરાંત ભાડજ, બોડકદેવ, શીલજ અને શેલામાં પણ આકાશને આંબતી ઇમારતો બનશે.  બિલ્ડીંગોમાં મોટા ભાગે રહેણાંકને મંજૂરી આપવામાં આવી છે. આ હાઈરાઈઝ બિલ્ડીંગમાં ફલેટની કિમંત અંદાજે 12 કરોડ સુધીની હોવાની માનવામાં આવી રહી છે. હાઈરાઈઝ બિલ્ડીંગ પ્રોજેક્ટમાં સ્વિમિંગ પુલ, હોમ થિયેટરથી લઇને અન્ય અનેક સુવિધાઓથી સજ્જ હોવાથી લોકો વધુને વધુ પસંદ કરવા લાગ્યા છે. અમદાવાદ ઉપરાંત સુરત, ગાંધીનગર, વડોદરામાં પણ હાઈરાઈઝ બિલ્ડીંગો બનશે.