Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવારે પ્રવાસીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલર અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓ સહિત કુલ 18 લોકો ઈજાગ્રસ્ત (Sonamarg Accident) થયા હતા. આ અકસ્માતમાં 6 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વાહનમાં પશ્ચિમ બંગાળ અને પંજાબના પ્રવાસીઓ પણ સવાર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક આ અકસ્માત થયો હતો. ટેમ્પો ટ્રાવેલર પ્રખ્યાત પ્રવાસન સ્થળ સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક વાહન રસ્તા પરથી નીચે ઉતરીને અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું.
અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે સોનમર્ગ, ગુંડ અને ગનીવનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)માંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.
તમામ ઈજાગ્રસ્તોને સૌપ્રથમ ગુંડ PHC ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તમામ 18 લોકોને શ્રીનગરના સૌરા સ્થિત શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) ખાતે રિફર કરવામાં આવ્યા હતા. તેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
Sonamarg Accident: ઈજાગ્રસ્તોમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળના પ્રવાસીઓ સામેલ
સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) કંગન રાજેશ રૈનાએ કાશ્મીર ન્યૂઝ ટ્રસ્ટને અકસ્માતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ડ્રાઇવર સહિત કુલ 18 લોકોને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ગુંડ PHC ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ SKIMS શ્રીનગર મોકલવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોમાંથી ડ્રાઇવર સહિત 12 લોકોની પ્રાથમિક ઓળખ થઈ છે. જેમાં અમદાવાદનાં શારદા બેન (58), રમેશ ભાઈ (59), શોભા બેન (50) અને રાજેશ કુમારનો સમાવેશ થાય છે. જ્યારે સુરતનાં દાયશા (42) પણ ઈજાગ્રસ્ત થયાં છે.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સ્વર્ણદ્યુતિ ઘોષ (24), માલા ઘોષ (48) અને સુરજીત ઘોષ (61) તેમજ ગુજરાતના મુકેશ ભાઈ, કલા બેન અને રોહન ભાઈનાં નામ પણ ઈજાગ્રસ્તોની યાદીમાં સામેલ છે. પંજાબના ગુરદાસપુરના રહેવાસી જગદીશની ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવર તરીકે ઓળખ થઈ છે.
પ્રાથમિક વિગતો મુજબ શારદા બેન, રમેશ ભાઈ, દાયશા, શોભા બેન અને રાજેશ કુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્વર્ણદ્યુતિ ઘોષને થાપાના ભાગે, જ્યારે સુરજીત ઘોષને છાતીના ડાબા ભાગમાં ઈજા થઈ છે. અન્ય ઈજાગ્રસ્તો અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.
ઓવરસ્પીડિંગના કારણે અકસ્માત થયાની આશંકા
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગને કારણે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ઉત્તરકાશીમાં ગુજરાતના પટેલ પરિવારને નડ્યો અકસ્માત, ઈનોવા કાર નદીમાં ખાબકતાં 4નાં મોત, બે મહિલા ગુમ
આ પણ વાંચો: સગાઈના પ્રસંગે જતા ગુજરાતી પરિવારને મહારાષ્ટ્રમાં નડ્યો અકસ્માત, બસ-કારની ટક્કરમાં 6 ના મોત
આ પણ વાંચો: જોધપુરમાં ગાઢ ધુમ્મસને કારણે ગુજરાતી પરિવારનો ગંભીર માર્ગ અકસ્માત
