Gujarat News : રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયકે ભારત સરકારની ઉડાન યોજના હેઠળ વિશેષ માંગ કરી છે. તેમણે મહેસાણાથી મુંબઈ હવાઈ સેવા શરૂ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો છે.ઉત્તર ગુજરાતમાંથી મુંબઈના મુસાફરોની સંખ્યા વધુ હોવાથી તેમણે આ માંગ કરી છે. હવાઈ સેવા શરૂ થાય તો ઘર નજીક લોકોને લાભ મળી રહે તે માટે આ માંગ કરવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર મહેસાણાની હવાઈ સેવા પુનઃસ્થાપિત કરવી એ વિસ્તારના વિકાસ અને જોડાણની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આથી UDAN યોજના હેઠળ મહેસાણાથી મુંબઈ અને મુંબઈથી મહેસાણા માટે દૈનિક હવાઈ સેવા શરૂ કરવામાં આવે.
તે સિવાય મહેસાણા, વડાપ્રધાનનો ગૃહ જિલ્લો હોવા ઉપરાંત, ઉત્તર ગુજરાતનું મહત્વનું આર્થિક કેન્દ્ર પણ છે. આ પ્રદેશમાં તેલ અને ગેસ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, કૃષિ અને વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓનો મોટો ફાળો છે. મહેસાણાને મુંબઈ સાથે નિયમિત એર કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે તો તે વેપાર, રોકાણ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે, એમ તેમણે વધુમાં જણાવ્યું છે.
વધુમાં, આ સેવા માત્ર મહેસાણાના નાગરિકો માટે જ નહીં, પરંતુ નજીકના જિલ્લાઓ જેમ કે પાટણ અને બનાસકાંઠાના નાગરિકો માટે પણ અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ જિલ્લાઓના વેપારીઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોને વધુ સારી પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે, જેનાથી સમગ્ર વિસ્તારનો સામાજિક અને આર્થિક વિકાસ શક્ય બનશે.
આ પણ વાંચો: કોંગ્રેસ ફરીથી બેઠી થશે? 700 જીલ્લાના અધ્યક્ષને દિલ્હીનું તેડું
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડમાં દિકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મનોબળ તોડ્યું, કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો