દુબઈ,
દુનિયાભરમાં ક્રિકેટની રમતને લઇ કરવામાં આવેલા એક સર્વેમાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા કરવામાં આવેલા ગ્લોબલ સર્વેમાં દુનિયામાં ક્રિકેટના એક અબજથી પણ વધુ ફ્રેન્ડસ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સર્વેમાં ૯૨ ટકા લોકોનું પસંદગીનું ક્રિકેટ ફોર્મેટ ટી-૨૦ હોવાનું કહેવામાં આવ્યું છે.
ICCના આ સર્વે મુજબ, દુનિયાભરમાંથી આવનારા એક અબજ ફ્રેન્ડસમાંથી ૯૦ ટકા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાંથી આવે છે.
શા માટે કરવામાં સર્વે ?
ICC દ્વારા દુનિયામાં ક્રિકેટનો વિકાસ કયા પ્રકારે થઇ રહ્યો છે તે અંગે જાણકારી પ્રાપ્ત કરવાનો છે. આ માધ્યમથી ICCને આગામી સમયમાં વૈશ્વિક સ્તરે ક્રિકેટના વિકાસની રણનીતિ પર કામ કરવામાં પણ મદદ મળશે.
કયા દેશોમાં કરવામાં આવ્યો સર્વે ?
ICC દ્વારા આ સર્વે દુનિયામાં ક્રિકેટ રમતા ૧૨ દેશો ઉપરાંત ચીન અને અમેરિકામાં પણ કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર, ક્રિકેટને પસંદ કરવાવાળા ફ્રેન્ડસની ઉંમર ૧૬ થી ૬૯ વર્ષ છે અને દુનિયામાં ક્રિકેટને પસંદ કરવાવાળા લોકોની એવરેજ ઉંમર ૩૪ વર્ષ છે.
૮૮ % લોકોની પસંદ છે વન-ડે ક્રિકેટ
ICCના સર્વેમાં સામે આવ્યું છે કે, ટી-૨૦ પછી અંદાજે ૮૮ ટકા લોકોની પસંદગી વન-ડે ક્રિકેટ છે. જયારે ૮૭ % લોકોનું માનવું છે કે, ટી-૨૦ ક્રિકેટના ફોર્મેટને ઓલમ્પિકમાં શામેલ કરવું જોઈએ. આ ઉપરાંત ૯૫ ટકા લોકો હજી પણ ૫૦ ઓવરના વર્લ્ડકપ અને ટી-૨૦ વર્લ્ડકપને પસંદ કરે છે.
૭૦ ટકા લોકોની પસંદ છે ટેસ્ટ ક્રિકેટ
વર્ષ ૨૦૦૭ બાદ ક્રિકેટના ફાસ્ટેસ્ટ ફોર્મેટ કહેવાતા ટી-૨૦ ક્રિકેટની રમત આવ્યા બાદ ટેસ્ટ ક્રિકેટનું ફોર્મેટ ખત્મ થઇ જશે, પરંતુ આ સર્વેમાં આ ધારણા ખોટી સાબિત થઇ છે.
ICCના સર્વેમાં સામે આવ્યું છે કે, દુનિયામાં હજી પણ ૭૦ ટકા લોકો ક્રિકેટના સૌથી લાંબા કહેવાતા ફોરમેટ ટેસ્ટ ક્રિકેટને પસંદ કરે છે.
૬૮ ટકા ફ્રેન્ડસ મહિલા ક્રિકેટને કરે છે પસંદ
આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, દુનિયામાં મેન્સ ક્રિકેટની સાથે મહિલા ક્રિકેટને જોનારો પણ એક ખાસ વર્ગ છે. દુનિયાના ૬૮ ટકા ફ્રેન્ડસ મહિલા ક્રિકેટને પસંદ કરે છે, જયારે ૬૫ ટકા મહિલા વર્લ્ડકપમાં રુચિ રાખે છે.
