વોલ્ગોગ્રાદ,
રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં ઈંગ્લેંડની ટીમે જીત સાથે શાનદાર શરૂઆત કરી છે. વર્ષ ૧૯૬૬ની ચેમ્પિયન ટીમ ઈંગ્લેંડે પોતાના કેપ્ટન હેરી કેનના બે ગોલની મદદથી વિરોધી ટીમ ટ્યુનીશિયાને ૨-૧થી હરાવ્યું હતું.
મેચના ફૂલ ટાઈમ સુધી બંને ટીમનો સ્કોર ૧-૧ ગોલની બરાબરી પર હતો પરંતુ ઈંગ્લેંડના કેપ્ટન હેરી કેને મેચની અંતિમ મિનિટોમાં એક શાનદાર હેડર લગાવતા ગોલ કરીને ટીમને શાનદાર જીત અપાવી હતી. બીજી બાજુ સ્ટેડિયમમાં બેઠેલા ઈંગ્લીશ સમર્થકો પણ ટીમના વિજયના સેલેબ્રેશનમાં ડૂબી ગયા હતા.
કેને કર્યો ટીમ માટે પ્રથમ ગોલ
વોલ્ગોગ્રાદ એરિનામાં સોમવારે રમાયેલા ઈંગ્લેંડ અને ટ્યુનીશિયા વચ્ચેના મુકાબલામાં ઈંગ્લીશ ટીમના કેપ્ટન હેરી કેને પોતાની ટીમ માટે ખાતું ખોલ્યું હતું. હેરી કેને પ્રથમ હાફની ૧૧મી મિનિટમાં જ પ્રથમ ગોલ કર્યો હતો. આ સાથે જ ઈંગ્લેંડે પ્રથમ હાફમાં ૧-૦ની લીડ હાંસલ કરી હતી.
બીજી બાજુ કેપ્ટન હેરી કેને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે કે, તેઓ જયારે ઈંગ્લીશ ટીમના કેપ્ટન તરીકે મેચ રમ્યા છે ત્યારે એક ગોલ કર્યો છે.
ફેર્જારી સાસીને ટ્યુનીશિયા માટે કર્યો ગોલ
બીજી બાજુ, પ્રથમ હાફમાં સ્ટાર્લિંગ અને કેન સામે ગોલ કરવા માટે સંઘર્ષ કરી રહેલી ટ્યુનીશિયાની ટીમ માટે પ્રથમ ગોલ ફેર્જારી સાસીએ ૩૫મી મિનિટમાં કર્યો હતો અને ૧-૧થી બરાબરી કરી હતી.
કેપ્ટન હેરી કેને કર્યો ટીમ માટે વિજયી ગોલ
મેચના બીજા હાફમાં ઈંગ્લેંડની ટીમ માટે વિજયી ગોલ કેપ્ટન હેરી કેને કર્યો હતો. આ પહેલા ઈંગ્લેંડની ટીમને બે ફ્રી કિક મળી હતી, પરંતુ ટીમના ખેલાડીઓ ગોલ કરી શક્યા ન હતા. જો કે ત્યારબાદ ઇન્જરી ટાઈમમાં ઈંગ્લેંડ માટે હેરી કેને ૯૧મી મિનિટમાં બીજો ગોલ કર્યો હતો અને ટીમને ૨-૧થી શાનદાર વિજય અપાવ્યો હતો.
