હૈદરાબાદ,
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ શુક્રવારથી હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો, ત્યારે હવે અંતિમ ટેસ્ટમાં પણ વિરાટ બ્રિગેડ આ મેચ જીતવાની સાથે જ કેરેબિયન ટીમનું ક્લીન સ્વિપ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમની વાત કરવામાં આવે તો, પ્રથમ ટેસ્ટમાં ટીમના તમામ બેટ્સમેનની સાથે બોલરો પણ શાનદાર ફોર્મમાં છે. ઓપનર બેટ્સમેન પૃથ્વી શો, કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા સહિતના બેટ્સમેન તેમજ બોલરોમાં પણ ચાઈનામેન બોલર કુલદીપ યાદવ, આર. અશ્વિન, જાડેજા શાનદાર ફોર્મમાં છે, ત્યારે બીજી ટેસ્ટમાં પણ વેસ્ટ ઇન્ડીઝની ટીમને ધૂળ ચટાડી શકે છે.

બીજી બાજુ રાજકોટ ટેસ્ટમાં ઇનિંગ્સ અને ૨૭૨ રનથી હાર થયા બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ મેચમાં પણ પલટવાર કરવાની કોશિશ કરશે.
હૈદરાબાદ ટેસ્ટમાં બાધારૂપ થઇ શકે છે ચક્રવાતી તૂફાન “તિતલી”
હવામાન વિભાગ દ્વારા બુધવારથી જ ચક્રવાતી તૂફાન “તિતલી” અંગેની આગાહી કરવામાં આવી છે. આ તૂફાન ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણી ઓરિસ્સાના તટીય વિસ્તારો સુધી પહોંચી ચુક્યું છે, ત્યારે હૈદરાબાદ ટેસ્ટ પર પણ આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
હાલમાં ચક્રવાતી તૂફાન “તિતલી”ની હવાઓ ૧૪૦ થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પહોંચી રહી છે અને હવામાન વિભાગ દ્વારા આ તૂફાનની ગતિ ૧૬૫ કિમી પ્રતિ કલાકની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
