તિરુવંતપુરમ,
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચ ગુરુવારે રમાશે, ત્યારે આ મેચમાં પણ ભારતીય ટીમ વિજય મેળવી આ સિરીઝ પોતાના નામે કરવાનો પ્રયન્ત કરશે.
બીજી બાજુ હાલમાં BCCI દ્વારા વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટી-૨૦ સિરીઝ માટેની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની બાદબાકી કરવામાં આવી છે. ત્યારબાદ હવે ધોનીના કેરિયરને અનેક સવાલો ઉભા થયા છે.
માનવામાં આવી રહ્યું છે કે, ધોની ૨૦૧૯ના વર્લ્ડકપ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. જો તેઓની યોજના આ જ છે તો વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી પાંચમી મેચ અંતિમ મેચ હોઈ શકે છે. કારણ કે, આગામી વર્લ્ડકપ પહેલા આ અંતિમ ડોમેસ્ટિક સિરીઝ હોઈ શકે છે.
વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી બાદ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે અને ત્યારબાદ ન્યુઝીલેન્ડમાં ક્રિકેટ સિરીઝ રમવાની છે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી એમ એસ ધોની ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ધોનીના આ વર્ષના પ્રદર્શનની વાત કરવામાં આવે તો, ૨૦૧૮માં અત્યારસુધીમાં રમેલી ૧૮ વન-ડે મેચની ૧૨ ઇનિંગ્સમાં ૨૫૨ રન બનાવ્યા છે, તેઓનું એવરેજ માત્ર ૨૫.૨૦નું રહ્યું છે. આ દરમિયાન ધોનીનો સર્વોચ્ચ સ્કોર ૪૨ રન અણનમ રહ્યો છે.
