મુંબઈ,
દુનિયાભરમાં ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં આગામી સિઝન પહેલા સ્ટાફમાં ખુબ ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિરાટ કોહલીના કેપ્ટનશિપ હેઠળની RCB ટીમમાં સપોર્ટ સ્ટાફમાં ભારે ફેરફાર થઇ રહ્યા છે.
એક અખબારના જણાવ્યા મુજબ, ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને ટીમના હેડ કોચ ડેનિયલ વિટોરી, બેટિંગ અને ફિલ્ડીંગ કોચ ટ્રેન્ટ વુડહિલ અને બોલિંગ કોચ એન્ડ્રયુ મેકડોનાલ્ડને હટાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત એડમિનિસ્ટ્રેશન સેટઅપમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. પૂર્વ બોસ કે અમૃત થોમસની જગ્યાએ સંજીવ ચૂડીવાલાને લાવવામાં આવ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે, ટીમની આગામી સિઝન માટે નવો સ્ટાફની કેપ્ટન વિરાટ કોહલીના નજીકના જ હશે.
જો કે ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે નિકટતા ધરાવતા લોકો પોતાની જગ્યા બનાવી રાખવામાં સફળ રહ્યા છે. આ બાબતે ગત સિઝનમાં RCBના બોલિંગ મેન્ટર તરીકેની જવાબદારી સંભાળનારા આશિષ નેહરા હાલમાં પોતાના પદ પર બની રહેશે.

ગુરુવારે આ માહિતી પ્રાપ્ત થઇ હતી કે, ટીમના હેડ કોચ માટે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કોચ ગેરી ક્રર્સ્ટન ફેવરિટ માનવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેરી ક્રર્સ્ટન જયારે ૨૦૧૧માં ભારતીય ટીમના હેડ કોચ હતા ત્યારે ૨૮ વર્ષ બાદ ઇન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો હતો. આ પહેલા ગેરી ક્રર્સ્ટન ગત વર્ષે RCBની ટીમ સાથે બેટિંગ સલાહકારના સ્વરૂપમાં જોડાયા હતા.
મહત્વનું છે કે, IPLની ૧૧મી સિઝનમાં RCBના ખરાબ પ્રદર્શનના કારણે પ્લેઓફમાં પણ પોતાનું સ્થાન બનાવી શકી ન હતી, ત્યારે ટીમના સપોર્ટ સ્ટાફમાં આ મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
