દુબઈ,
બોલ ટેમ્પરીંગમાં દોષિત જાહેર કરાયેલ શ્રીલંકન કેપ્ટન દિનેશ ચંડીમલ વેસ્ટઇન્ડિઝ સામે શુક્રવારથી શરુ થયેલ ત્રીજી ટેસ્ટમાં ભાગ લઈ શક્યો નથી. આઈસીસીએ એક મેચનો પ્રતિબંધ પાછો ખેંચવાની તેની અરજીને ફગાવી દીધી હતી. તેમજ પ્રતિબંધ યથાવત રાખ્યો છે જેના કારણે વેસ્ટઈન્ડિઝમાં ત્રીજી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમની કમાન લકમલને સોંપવામાં આવી છે.
આ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ચંડીમલની ગેરહાજરીમાં ટીમના સૌથી અનુભવી ખેલાડી રંગના હેરાથને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.
જો કે અંતિમ સમયે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે લકમલને ૧ ટેસ્ટ માટે કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ટીમમાં તેના સ્થાને અન્ય ખેલાડીને તક આપવા અંગે હજી વિચારણા ચાલી રહી છે.
આઈસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું કે, શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંડીમલ બોલ ટેમ્પરીંગ જેવા ગંભીર ગુનામાં દોષિત જણાયો છે. જેથી તેના પર એક ટેસ્ટ અથવા બે વન-ડે અથવા બે ટી-૨૦ મેચનો પ્રતિબંધ લગાવવો જરુરી હતો. જેથી આઈસીસીએ એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત મેચ ફીના ૧૦૦ ટકા રકમનો દંડ પણ ચંડીમલ પર ફટકારવામાં આવ્યો છે. મહત્વનુ છે કે વિન્ડિઝ સામે બીજી ટેસ્ટ દરમિયાન ચંડીમલ બોલ સાથે ચેડા કરતો નજરે પડ્યો હતો.
