હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મોં દિવસ છે. હાર્દિકની સરકાર સામેની આ લડાઈમાં, કોંગ્રેસ પણ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યોએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મળીને ખેડૂતો તેમજ પાટીદાર આંદોલનકારીઓ સાથે વાતચીત કરવાની હાકલ કરી હતી. કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે સીએમ રૂપાણીની ઓફિસમાં મુલાકાત કરી હતી.

આ સાથે જ કોંગ્રેસે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. અને કહ્યું છે કે જો હાર્દિક પટેલ મુદ્દે સરકાર 24 કલાકમાં કઈ નિર્ણય નહિ લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી લઈને શનિવાર સવારે 11 વાગ્યા સુધી રાજ્યભરના કોંગ્રેસી કાર્યકરો ઉપવાસ કરશે.
કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે ભાજપ અહંકારનો ત્યાગ કરીને હાર્દિક સાથે વાટાઘાટો ચાલુ કરે. તેમજ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર યુવાનોને જેલમાં પૂરવામાં આવ્યા છે, એમને છોડી મુકવામાં આવે. ગુજરાતના ગરીબ યુવાનોને પૂરતી સવલતો અને રોજગાર મળે એ માટે પણ સરકાર સમક્ષ માંગ કરી છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી ની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીજીની પ્રતિમાને પ્રણામ કરીને, મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. મુલાકાત બાદ વિપક્ષ નેતાએ જણાવ્યું કે હવે કોઈ મધ્યસ્થી નહિ, સરકાર, હાર્દિક તેમજ આંદોલનકારીઓ સાથે સીધો જ સંવાદ કરે.
