Gandhinagar News: નવરાત્રિ પર્વ અનુસંધાને રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન (Action Plan) બાબતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી.
આ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બિહેવીયર (Police Response, Behaviour) ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે
આ અંગે, સંવેદનશીલ વિસ્તારો તેમજ અવાવરુ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન રાખવા સૂચના આપવામાં આવી છે. આ માટે, વધારાની ૧૬ એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી છે.
નવરાત્રિ (Navratri)ના પાવન પર્વને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ વડા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન, ચાર મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૂચના આપી છે.

કાયદો અને વ્યવસ્થા
નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ (Gujarat Police)ને મજબૂત વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. આ માટે, ૧૬ વધારાની એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી છે. તે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મહિલા સુરક્ષા: ‘શી ટીમ’ ટ્રેડિશન ડ્રેસમાં વોચ રાખશે
મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘શી ટીમ’ (‘She’ Team)ને સક્રિય કરવામાં આવી છે. આ ટીમના મહિલા પોલીસકર્મીઓ ગરબા ગ્રાઉન્ડ અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ વોચ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે, જેથી છેડતી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક જરૂરિયાતના સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 (Janrakshak 112) પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકાશે.

ટ્રાફિક મેનેજમેન્ટ
નવરાત્રિ દરમિયાન, ટ્રાફિક (Traffic)ની સમસ્યા ન સર્જાય તે સતત એલર્ટ રહેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે વધારાનો સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. આ ટીમો ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરશે જેથી વાહનચાલકો અને રાહદારીઓને કોઈ અગવડ ન પડે.
પોલીસ રિસ્પોન્સ અને વર્તન
તહેવારોના સમયમાં મોડી રાત્રે પણ નાગરિકોની અવરજવર વધુ રહે છે, ત્યારે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે, પોલીસ સતર્ક રહેશે. કોઈ ઘટના બને તો તાત્કાલિક મદદ (Police Help) મળી રહે તે માટે, ક્વિક રિસ્પોન્સ માટે સજ્જ રહેવા તમામ પોલીસ કંટ્રોલ રૂમમાં સૂચનાઓ આપવા જણાવ્યું છે. એટલું જ નહીં, સિનિયર પોલીસ અધિકારીઓને કંટ્રોલ રૂમમાં હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ, નાગરિકો સાથે પોલીસનું વર્તન સુયોગ્ય રહે અને તેઓ સુરક્ષિત અનુભવે તે માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઓમ પ્રકાશ જાટની આગેવાની હેઠળ બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય પોલીસ કર્મચારીઓની બદલી
