પ્રાંતિજ તાલુકાના ગેડ પાસે ગઇ રાત્રિએ મટકી ફોડ કાર્યક્રમને લઈને એક જ સમાજના બે જુથો વચ્ચે બોલાચાલી બાદ ગરમા ગરમી થતા મામલો બિચકયો હતો. જોકે સવારે ફરી બે જુથ આમને સામને આવતા પથ્થરમારો થતા લોકોમાં નાસભાગ થઇ ગઇ હતી અને પોલીસને ઘટનાની જાણ થતા પ્રાંતિજ પી.આઇ. સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ટીયર ગેસ છોડીને ટોળાને વિખેરી ઇજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ મારફતે પ્રાંતિજ અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસવડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજના ગેડ ખાતે જન્માષ્ટમીની રાત્રે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન એક જ સમાજના બે જુથો વચ્ચે બોલાચાલી થઈ હતી. પરંતુ ગામના આગેવાનોએ દરમિયાનગીરી કરતા મામલો શાંત પડયો હતો પરંતુ સવારે ફરી બંને જુથ્થો આમને સામને આવી ગયા હતા અને જોરદાર સામ સામે પથ્થરમારો કર્યો હતો. જેના કારણે બંને જુથ્થોના અનેક લોકોને નાની મોટી ઈજાઓ થઇ હતી. અનેક મકાનોના પતરાઓ બાખોલા પડી ગયા હતા અને ગામમાં નાસભાગ મચી જવા પામી હતી.
પ્રાંતિજ પોલીસને આ અંગેની જાણ થતા પ્રાંતિજ પી.આઈ. એચ.એસ.ત્રિવેદી પણ તેમની પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા પણ તે દરમિયાન પણ બંને જુથો સામ સામે પથ્થરમારો ચાલુ રહ્યો હતો. પોલીસ દ્વારા ટોળાને વિખુટુ પાડવા ટીયર ગેસ છોડયા હતા અને કાબુ ના આવતા હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ પોલીસને તાબડતોબ બોલાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ પોલીસ આવતા આખરે મામલો થોડોક અંશે શાંત પડયો હતો. જયારે પથ્થરમારામાં ઈજાઓ પહોંચેલ બંને પક્ષના જુથ્થોના લોકોને હિંમતનગર અને પ્રાંતિજ ૧૦૮ દ્વારા પ્રાંતિજ અને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા વડા એસ.પી. નીરજકુમાર બડગૂજર તથા જિલ્લા ડી.વાય.એસ.પી. સૂર્યવંશી પણ તાત્કાલિક તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હતા. જયારે બીજીબાજુ કેટલાક તત્વોની પોલીસ દ્વારા અટકાયત હાથ ધરવામાં આવી હતી. હાલ તો આખુંય ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ છે.
