Italy Airport News: ઇટાલીના ફોર્લી એરપોર્ટ પર કુદરતનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ભારે પવન વચ્ચે એરપોર્ટના રનવે પર પાર્ક કરાયેલા નાના પ્રોપેલર વિમાનો હવાની તાકાતથી પોતાની જગ્યાએથી ખસતા અને ગોળ-ગોળ ફરતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના 21 ઓગસ્ટે ઇટાલીના એમિલિયા-રોમાના વિસ્તારમાં આવેલા ફોર્લી એરપોર્ટ પર બની હતી. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર, તોફાન દરમિયાન પવનની ઝડપ લગભગ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે તોફાની પવનના જોર સામે એરપોર્ટ પર ઊભેલા કેટલાક નાના વિમાનો પોતાની જગ્યાએ ટકી શક્યા નહોતા. ભારે વરસાદથી રનવે ભીનો થઈ જતાં વિમાનોના પૈડાંની પકડ પણ નબળી પડી હતી. પરિણામે ક્રોસવિન્ડના દબાણ સાથે કેટલાક વિમાનો ધીમે ધીમે સરકતા જોવા મળ્યા હતા.
કેટલાક વિમાનો પવનના જોરદાર ઝાપટાથી એક તરફ ઝૂકતા પણ નજરે પડે છે. સમગ્ર દૃશ્ય એટલું ચોંકાવનારું છે કે ભારે વજન ધરાવતા વિમાનો પણ જાણે હળવા રમકડાં હોય તેમ હવામાં હલતા જોવા મળ્યા હતા.
આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. અનેક યુઝર્સે તોફાનની તીવ્રતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે અત્યંત ઝડપથી ફૂંકાતા પવન અને ભારે વરસાદ જેવી કુદરતી પરિસ્થિતિઓ એરપોર્ટ જેવી સુરક્ષિત જગ્યાએ પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.
આ પણ વાંચો: ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, ઇસ્લામિક કટ્ટરવાદ પર મેલોની સરકારે કડક કાયદો રજૂ કર્યો
આ પણ વાંચો: કાનૂની મુશ્કેલીમાં ફસાયા ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, આ ગુનેગારને મદદ કરવાનો આરોપ
આ પણ વાંચો: ઇટાલીમાં પ્લેનની પાંખમાં વિસ્ફોટ થતાં લાગી ભીષણ આગ, 184 મુસાફરોની ચીસો
