- રખડતા ઢોરથી વધુ એક અકસ્માત
- બસ ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- બિલખા રોડ ઉપરની ઘટના
- બાઈકસવારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
જુનાગઢ શહેરમાં હવે રખડતા ઢોરએ માથું ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે. દિવસે ને દિવસે રખડતા ઢોર લોકોનો ભોગ લઈ રહ્યા છે તો ક્યાંક લોકો ઇજાગ્રસ્ત બને છે આવી જ ઘટના બની છે જુનાગઢ શહેરના આંબેડકર નગર પાસે કે જ્યાં બાઈક સવાર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રખડતા ઢોરે બાઈક સવારને ઢીક મારી બાઈકસવારને રોડ ઉપર પછાડી દીધો હતો.
અચાનક જ પાછળથી એસટી બસ આવ્યા બાદ સવાર ઉપર ચડી ગઈ હતી. બાઈકસવારને રખડતા ઢોરે ઢીક મારતા સમગ્ર ઘટના બની હતી. આ ઘટના પરથી વધુ એકવાર જૂનાગઢનું મનપા અને તંત્ર ઊંઘમાં ઝડપાયું છે ફક્ત વાયદાઓ કરવામાં આવે છે કે શહેરમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા છે પરંતુ આ વાયદાઓ આ ઘટના પરથી પોકળ સાબિત થઈ રહ્યા છે.

શું હજુ પણ મહાનગરપાલિકા અને તંત્ર આ રખડતા ઢોરનો લોકો ભોગ બને તેની જ રાહ જોઈ રહ્યું છે ક્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ત્યાં રખડતા ઢોરને પકડવામાં આવશે તેવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાલ તો બગડું ગામના રહેવાસી ત્રિકમભાઈ ડોબરીયા ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જો કે કેટલાક શહેરોમાં હાઇકોર્ટની ટકોર બાદ ઢોરવાડા તોડી પાડવાની અને ઢોર પકડવાની કામગીરી કડક રીતે કરવામાં આવી રહી છે. ત્યારે પશુપાલકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તો કેટલાક ઠેકાણે રખડતા ઢોર પકડવા માટે જતી ટીમ ઉપર હુમલો કરવાની ઘટના પણ બની છે.
અત્રે નોધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી રખડતા ઢોરને કારણે થતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. તો સાથે કેટલાક કેસમાં અકસ્માતમાં વાહન ચાલકોના મોત પણ થયા છે. હાલમાં જ ભાવનગરના ગારીયાધારના રહેવાસી બાબુભાઇ મકવાણાના પુત્ર ભાવેશભાઈનું ખુટીયાની અડફેટે આવતા અવસાન થયું હતું. બાબુભાઈના પુત્ર ભાવેશભાઈ રક્ષાબંધન મનાવીને પરત ફરતા ત્યારે ખુટીયાની અડફેટે આવી જતાં મોત થયું હતું. વડોદરાના સુભાનપુરા રાજેશ ટાવર રોડ પાસે પણ થોડા દિવસ અગાઉ રાત્રે બાઈક પર જઈ રહેલા જીગ્નેશભાઈ રાજપૂતને ગાયે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તે નીચે પટકાયેલા જીગ્નેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો આપણાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પણ કડી ખાતે ચાલી રહેલા કાર્યક્રમ દરમિયાન અચાનક આવેલી ગાયે અડફેટે લીધા હતા અને પગમાં ઇજા પહોચી હતી. તો થોડા દિવસ અગાઉ પોરબંદર ખાતે પણ મુખ્યમંત્રી ના કાફલામાં ગાય ધસી આવી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ ના હતી.
