National News : કેન્દ્ર સરકારે દેશમાં ખાંડનો પૂરવઠો જાળવી રાખવા અને સ્થાનિક બજારમાં ભાવને નિયંત્રણમાં રાખવાના હેતુથી ડ્યૂટી ફ્રી ખાંડની આયાત (Sugar Import)કરવાની મુદત બે મહિના લંબાવીને 31 ડિસેમ્બર, 2026 સુધી કરી છે. સરકારે અગાઉ 10 લાખ ટન ખાંડની આયાત પર કસ્ટમ્સ ડ્યૂટીમાંથી છૂટ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ યોજના હેઠળ અત્યાર સુધી માત્ર 3 લાખ ટન ખાંડની જ આયાત (Sugar Import India)થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ખાંડની આયાત માટે વેપારીઓનો ઓછો પ્રતિસાદ
સરકારે 20 ઓગસ્ટે જાહેર કરેલા નોટિફિકેશન દ્વારા 10 લાખ ટન ખાંડની ડ્યૂટી ફ્રી આયાત (Duty Free Sugar)ને મંજૂરી આપી હતી. આ છૂટની મુદત 31 ઓક્ટોબરે પૂરી થવાની હતી. પરંતુ આયાતનું પ્રમાણ અપેક્ષા કરતાં ઓછું રહેતાં સરકારે સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે.
જોકે, સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં ફેરફાર અને આયાતી ખાંડ (Sugar Import)મોંઘી પડવાની શક્યતાને કારણે વેપારીઓ આ યોજનાનો પૂરતો લાભ લઈ રહ્યા નથી. સરકાર દ્વારા સ્થાનિક ભાવને નિયંત્રણમાં રાખવા માટે લેવામાં આવેલા પગલાંને કારણે આયાતી ખાંડની સરખામણીએ ઘરઆંગણાની ખાંડ વધુ વ્યવહારુ બની શકે છે.
ખાંડના ભાવ અને ઉત્પાદન પર નજર
આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા દસ દિવસમાં સ્થાનિક બજારમાં ખાંડના ક્વિન્ટલદીઠ ભાવ (Sugar Price)માં રૂ. 1,000નો વધારો નોંધાયો હતો. જોકે, સરકારનાં વિવિધ પગલાં બાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું પણ જણાવાયું છે. ભાવની સ્થિતિ અને આયાત ખર્ચને ધ્યાનમાં રાખીને વેપારીઓ આયાત અંગે નિર્ણય લઈ રહ્યા છે.
ભારતમાં 2026-27ની ખાંડની મોસમ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મોસમમાં ખાંડનું ઉત્પાદન અગાઉના અંદાજ કરતાં 3થી 4 લાખ ટન ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પાછોતરો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેતાં શેરડીના પાકને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની ચિંતા છે.
અલ નિનોની અસરથી શેરડીના પાક સામે પડકાર
વર્તમાન વર્ષમાં અલ નિનોની અસરને કારણે ચોમાસું નબળું રહેવાની શક્યતા અને પાણીની મર્યાદિત ઉપલબ્ધતા શેરડીના ઉત્પાદન માટે પડકાર બની શકે છે. શેરડીના પાકમાં ઘટાડો થાય તો તેની સીધી અસર ખાંડના ઉત્પાદન પર પડી શકે છે. નવી મોસમમાં ખાંડની મિલોને પિલાણ માટે પૂરતી શેરડી ઉપલબ્ધ થશે કે નહીં તે પણ મહત્ત્વનો મુદ્દો રહેશે.
બીજી તરફ, ભારતમાં ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શેરડીમાંથી ખાંડ અને ઇથેનોલ બંનેનું ઉત્પાદન થતું હોવાથી આ ક્ષેત્રમાં સરકારના નિર્ણયો વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બની શકે છે. ખાંડના ઉત્પાદન, સ્થાનિક ભાવ (Sugar Price)અને ઇથેનોલની જરૂરિયાત વચ્ચેનું સંતુલન (El Nino Impact)આગામી મોસમમાં મહત્ત્વનું રહેશે.
