Surat News: સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો સાથે જોડાયેલી સુમુલ ડેરીની ચૂંટણી (Sumul Dairy Election) હવે રાજકીય રીતે વધુ રસપ્રદ બની રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ સામે ખેડૂત આગેવાન જયેશ દેલાડેએ ખુલ્લો વિરોધ નોંધાવી પોતાની અલગ ‘સહકાર પેનલ’ જાહેર કરતાં ચૂંટણીમાં નવા રાજકીય સમીકરણો સર્જાયા છે.
Sumul Dairy Election:જયેશ દેલાડે ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ
જયેશ દેલાડે (Jayesh Delad) દાવો કર્યો છે કે સહકારી સંસ્થાઓ ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કાર્ય કરે છે અને તેમાં રાજકીય પક્ષોની મેન્ડેટ પ્રથા યોગ્ય નથી. તેમના મતે, સંસ્થાનું સંચાલન પશુપાલકોના પ્રતિનિધિઓ દ્વારા થવું જોઈએ, રાજકીય દખલગીરીથી નહીં.
આ વખતે સુમુલ ડેરીની 16 ડિરેક્ટર બેઠકો માટે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના મેન્ડેટ બાદ પાંચ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ બન્યા છે, જ્યારે બાકીની બેઠકો પર ખરાખરીનો ચૂંટણી (Sumul Dairy Election) જંગ જોવા મળશે. હજુ ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાકી હોવાથી આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારોની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જયેશ દેલાડે (Jayesh Delad)એ જણાવ્યું કે સુમુલ ડેરીની સ્થાપના વર્ષ 1951માં ગામડાના પશુપાલકોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કરવામાં આવી હતી. તેમના મતે, આજે સંસ્થાના મૂળ હેતુથી વિપરીત રાજકીય હિતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જે સહકારી ચળવળની ભાવના વિરુદ્ધ છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે અંદાજે 7000 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીના વહીવટ પર રાજકીય નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પશુપાલકોના હિત કરતાં સત્તા અને વહીવટી નિયંત્રણને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું.
જયેશ દેલાડે (Jayesh Delad)એ દાવો કર્યો કે સુમુલમાં થયેલી ગેરરીતિઓ અંગે તપાસ બાદ તૈયાર કરાયેલા આશરે 2000 પાનાના અહેવાલને હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. તેમના કહેવા મુજબ, ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા કેટલાક લોકોને ફરીથી મેન્ડેટ આપવામાં આવતા પશુપાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આગામી 15 જુલાઈએ યોજાનારી ચૂંટણી (Sumul Dairy Election)માં ભાજપ, કોંગ્રેસ અને જયેશ દેલાડની ‘પશુપાલક મેન્ડેટ સહકાર પેનલ’ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ચૂંટણીના પરિણામો સુમુલ ડેરીના આગામી સંચાલન અને રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપનો દબદબો, 16માંથી 5 બેઠકો બિનહરીફ જીતી
આ પણ વાંચો:રાજકીય ઘમાસાણ: કેતન ઇનામદાર અને કુલદીપસિંહ રાઉલજી આમનેસામને
આ પણ વાંચો:સુમુલ ડેરી વિવાદ: બહારથી દૂધ લાવવાનો આક્ષેપ, રજિસ્ટ્રારનો કડક આદેશ
