Surat News/ સુમુલ ડેરી વિવાદ: બહારથી દૂધ લાવવાનો આક્ષેપ, રજિસ્ટ્રારનો કડક આદેશ

સુરત જિલ્લા રજિસ્ટ્રારે તાત્કાલિક અસરથી આવી મંડળીઓ પાસેથી દૂધ ખરીદવાનું બંધ કરવા આદેશ જારી કર્યો છે, અને ફક્ત નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પાસેથી દૂધ લેવા નિર્દેશ આપ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત અને તાપી જિલ્લામાં કાર્યરત સુમુલ ડેરી ગંભીર વિવાદમાં સપડાઈ છે. ડેરીના કેટલાક ડિરેક્ટરોની મિલીભગતમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી દૂધ લાવીને સૂચિત મંડળીઓ દ્વારા સુમુલમાં પધરાવવાનો ધંધો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ મામલે સુરત જિલ્લા રજિસ્ટ્રારે તાત્કાલિક અસરથી આવી મંડળીઓ પાસેથી દૂધ ખરીદવાનું બંધ કરવા આદેશ જારી કર્યો છે, અને ફક્ત નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પાસેથી દૂધ લેવા નિર્દેશ આપ્યો છે.

વિવાદનું મૂળ શું?

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખી, ડેરીમાં ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસની માંગ કરી છે. આક્ષેપો અનુસાર, સુમુલ ડેરી અમૂલ પેટર્નના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી, મહારાષ્ટ્રથી “ઠંડું દૂધ” લાવીને સ્થાનિક “હૂંફાળા દૂધ” સાથે ભેળસેળ કરી રહી છે. આ ગેરરીતિથી ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ડેરીની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

ખાસ કરીને, કામરેજ વિસ્તારમાં બે વર્ષમાં દૂધની આવક 1.5 કરોડ લિટર વધી છે, જે પશુઓની સંખ્યા સાથે સરખામણી કરતાં અસંગત લાગે છે. આ બાબતે પશુઓની ગણતરી કરવામાં આવે તો મોટું ભોપાળું બહાર આવે તેમ છે. અત્યાર સુધીમાં 25 મંડળીઓને 3.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે આ આક્ષેપોને મજબૂતી આપે છે.

રાજકીય ખેંચતાણ

સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પહેલાં જ વર્તમાન પ્રમુખ માનસિંગ  પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ છે. બંને ભાજપના નેતાઓ હોવા છતાં, આ રાજકીય ખેંચતાણે ડેરીના હિતોને નુકસાન પહોંચાડ્યું છે. દર્શન નાયકે આક્ષેપ કર્યો છે કે ડિરેક્ટરો “દલા તલવાડીની નીતિ” અપનાવી, પોતાની મંડળીઓને બચાવી રહ્યા છે, જેના કારણે ડેરીની પ્રગતિ અટકી છે.

કાર્યવાહીની માંગ

નાયકે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ડેરીના સમગ્ર બોર્ડ સામે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટરોની જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી, કારણ કે આ ગેરરીતિઓ લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં તેમનું ધ્યાન મોડું ગયું. ખાસ કરીને, કુકરમુંડા દૂધ મંડળીમાં પશુઓની સંખ્યા કરતાં વધુ દૂધ ભરવામાં આવતું હોવાની ફરિયાદ પણ સામે આવી છે.

સુમુલનો પ્રતિસાદ

આ મામલે સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિતનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. ડેરીના સંચાલકો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, જેનાથી દૂધ ઉત્પાદકો અને ગ્રાહકોમાં અસંતોષ વધ્યો છે.

ગ્રાહકો માટે ચેતવણી

આ ઘટનાએ સુમુલ ડેરીની ગુણવત્તા અને વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે. ગ્રાહકોને સલાહ છે કે તેઓ દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે ગુણવત્તાની ખાતરી કરે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુમુલ ડેરીને કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીના હસ્તે શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ

આ પણ વાંચો:સુરતની સુમુલ ડેરી સામે ફરી વિરોધનો સૂર, લાભ પંચમીએ દૂધ બંધ કરવાની ચીમકી

આ પણ વાંચો:સુમુલ ડેરી દ્વારા લમ્પી વાયરસ વેક્સીનના આટલા ડોઝ ખરીદાયા